કલોલમાં આવેલા સૂર્યનારાયણ મંદિરમાં તોડફોડ કરી મૂર્તિઓ ખંડિત કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઉત્તર ભારત સેવા સમાજ સંસ્થાના સૂર્યનારાયણ મંદિરમાં અજાણ્યા લોકો દ્વારા સાત જેટલી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે.
સાત દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી
મળતી માહિતી અનુસાર, કલોલ હાઈવે સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીની પાછળ સૂર્યનારાયણનું મંદિર આવેલું છે. વહેલી સવારે અજાણ્યા લોકો દ્વારા મંદિરમાં પ્રવેશી અહીં સ્થાપિત ભગવાન સૂર્યનારાયણની મૂર્તિને ખંડિત કરી હતી. અજાણ્યા લોકોએ હનુમાનજી, ગણેશજી તથા અંબા માતા, મહાકાળી માતા, સરસ્વતી માતા સહિતની કુલ સાત દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી હતી.
ભક્તોમાં ભારે રોષ
સૂર્યનારાયણ મંદિરના પૂજારી વહેલી સવારે પૂજા કરવા આવ્યા હતા, ત્યારે તેમણે ખંડિત મૂર્તિઓ જોયા બાદ મંદિરના વહીવટીદારોને કરતા તેઓ દોડી આવ્યા હતા. વહીવટદારોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આવીને ઘટનાસ્થળની તપાસ કરી હતી. પોલીસે તોડફોડ કરનારા આવારા તત્વોને ઝડપી પાડવા માટે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. આ ઘટનાને પગલે ભક્તોમાં રોષની લાગણી જોવા મળી હતી.