બોપલના એક નિવૃત શિક્ષિકને વીજળીનું બિલ પડ્યું મોંઘું. બિહારની ટોળકીએ Electricity bill ભરવાના નામે 68 લાખની કરી ઠગાઇ. પોલીસે પિતા-પુત્ર અને કાકાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો. કેવી રીતે નિવૃત શિક્ષકની જીવનભરની કમાણી ઠગબાજો ખંખેરી નાખી? જોઈએ આ અહેવાલમાં…
અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમના કેસમાં ઓચિંતો વધારો થયો છે અને ઓનલાઇન છેતરપિંડી આચરતી ઠગ ટોળકીએ હવે બોપલને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યું છે. છેલ્લા એક મહિનાથી બોપલ વિસ્તારમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધ્યા છે ત્યારે વધુ એક ઠગાઈનો કિસ્સો બોપલ વિસ્તારમાં બન્યો છે. બોપલમાં નિવૃત શિક્ષક સાથે વીજબિલ(Electricity bill) ભરવાના નામે 68 લાખની છેતરપિંડી આચરવામાં આવતા પોલીસે બિહારથી 3 શખ્સોને ઝડપી પાડ્યા છે.
મોડી રાત્રે વોટ્સએપ પર આવ્યો હતો મેસેજ
ઘટનાની વિગતવાર વાત કરીએ તો બોપલ રહેતા નિવૃત શિક્ષક જયેશ માણેકના વોટ્સએપ પર મોડીરાત્રે એક મેસેજ આવ્યો હતો. જેમાં UGVCLનું બિલ ભર્યું ન હોવાથી લાઈટ બિલ કપાઈ જશે તેવો મેસેજ આવતા જ નિવૃત્ત શિક્ષિકએ મેસેજમાં આવેલા ફોન નંબર પર ફોન કર્યો હતો. જેમાં UGVCLના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી નિવૃત શિક્ષિક સાથે વાતચીત કરીને કહ્યું કે તમારું લાઈટ બીલ(Electricity bill) આજે રાત્રે કપાઈ જશે.
ખાતામાંથી ઉપાડી લીધા 68 લાખ રૂપિયા
ત્યારબાદ નિવૃત શિક્ષિકે કહ્યું હતું કે, મેં ઓનલાઇન લાઈટ(Electricity bill) બિલ ભર્યું છે. જેની ઓનલાઇન સ્લીપ પણ મેસેજથી તેમને મોકલી આપી હતી, ત્યાર બાદ ઠગ ટોળકી નિવૃત શિક્ષકને વિશ્વાસમાં લઇ યોનો એપ અને એની ડેસ્ક ડાઉનલોડ કરાવીને ચાર દિવસમાં 68 લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડી લીધા હતા. જે બાદ નિવૃત શિક્ષિકને આ અંગેની જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ટેક્નિકલ સર્વેલન્સ આધારે ગ્રામ્ય સાયબર ક્રાઈમની ટીમે બિહારથી 3 આરોપીની ધરપકડ કરી હતી.
ત્રણ આરોપીની બિહારથી ધરપકડ
અમદાવાદ રૂરલના DYSP ભાસ્કર વ્યાસે જણાવ્યું કે, પોલીસે ધીરજ પ્રકાશ ચૌધરી, ગૌરવકુમાર ચૌધરી અને અનુરાગ ચૌધરીની ધરપકડ કરી છે. જે ત્રણેય આરોપીઓ પિતા-પુત્ર અને સગા કાકા થાય છે. આરોપીઓના ખાતામાં નિવૃત શિક્ષિકની જીવનભરની કમાણી જમા થઈ હતી. જોકે, 68 લાખના ઠગાઇ પૈકી આ ત્રણ આરોપીના ખાતામાં 4 લાખ રૂપિયા જમા થયા હતા. પકડાયેલ આરોપીઓએ બિહારની ઠગ ટોળકીના માસ્ટર માઈન્ડ ગેંગને ડમી ખાતા પુરા પાડતા હતા.
આરોપીને ખાતા પુરા પાડી મેળવતા હતા કમિશન
તેઓએ જણાવ્યું કે આ ત્રણેય બિહારમાં આધાર કાર્ડ સેન્ટર ચલાવે છે. જ્યાં મુખ્ય આરોપીને ખાતા પુરા પાડી કમિશન મેળવતા હતા સાથે જ આરોપીના મોબાઇલ રિચાર્જ પણ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આ ત્રણેય આરોપી પાસેથી મોબાઇલ, લેપટોપ, 64 હજારની રોકડ અને આધારકાર્ડ સહિતના કુલ 1.75 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ મુખ્ય આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.