- ડાડો ત્રણ દિવસ સુધી ફોન વાપરીને જેલમાં છુપાવી દેતો!
- ખંડણી માંગી ત્યારે આખો મામલો બહાર આવ્યો!
@(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના વિસીપરામાં રહેતા વૃદ્ધ પાસેથી બેવડી હત્યાના ગુન્હામાં જેલમાં કેદ રહેલા ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડા નામના શખ્સે પોતાના ભાઈના મોબાઈલ ફોનમાં ફોન કરી રૂપિયા બે લાખની ખંડણી માંગવા પ્રકરણમાં મોરબી શહેર બી ડિવિઝન પોલીસે અગાઉ ડાડાના ભાઈને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યા બાદ મોરબી સબ જેલમાં બંધમાં રહેલા ડાડાનો કબ્જો લઈ મોબાઈલ ક્યાંથી આવ્યો? તે સહિતની બાબતે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ડાડાને આ ફોન તેનો ભાઈ આપીને ગયો હોવાનું ખુલ્યું છે. અને ત્રણ દિવસ સુધી જેલમાં જ ફોન વાપરતો પણ ખંડણી માંગી ત્યારે જ તેના ચોંકાવનારા રાજ બહાર આવ્યા હતા.
આ બાબતે વાત કરીએ તો મોરબીના વિસીપરામાં રમેશ કોટન મિલમાં રહેતા હરગોવિંદભાઈ ચૌહાણ નામના વૃદ્ધને બેવડી હત્યા તેમજ માળીયા પંથકમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ અને હાલમાં જેલમાં બંધ ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડા નામના શખ્સે પોતાના ભાઈ અલારખાના મોબાઈલ ફોનમાં ફોન કરી રૂપિયા બે લાખ ખંડણી માંગી હતી.
આ ગંભીર બાબતે મોરબી શહેર ડિવિઝન પોલીસે ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડાના ભાઈ અલ્લારખાં તાજમહમદભાઈ જેડાની ધરપકડ કરી હતી. શહેર બી ડિવિઝન પોલીસે કાનૂની કાર્યવાહી કર્યા બાદ મોરબી સબ જેલમાં બંધ ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડાનો કબ્જો મેળવી જેલમાં મોબાઈલ ફોનની સુવિધા કેવી રીતે મેળવી? મોબાઈલ કોણ આપી ગયો? સહિતની બાબતે પોલીસે પૂછપરછ કરી હતી.સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી સબ જેલમાં બંધ ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડાને થોડા દિવસ પહેલા તેનો ભાઈ જેલમાં મળવા ગયો હતો.
ત્યારે જેલ તંત્રની જાણ બહાર તેના ભાઈએ ડાડાને મોબાઈલ ફોન ચોરી છુપીથી આપી દીધો હતો. અને ડાડાએ આ ફોન જેલમાં છુપાવી રાખ્યો હતો. જરૂર પડે ત્યારે જેલમાંથી ચોરી છુપીથી ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ફોન કરતો તેમજ સગા વ્હાલાને પણ ફોન કરતો આ રીતે આ ખુંખાર અપરાધીએ જેલમાં બેઠા બેઠાં પચ્ચીસ ફોન કર્યા હતા ત્યાં સુધી ડાડા પાસે ફોન હોવાની જેલ તંત્રને ગંધ સુધ્ધાં આવી ન હતી. ત્રણ દિવસ બાદ ખંડણી માટે ફોન કર્યો અને તેણે જેલમાં બેઠા બેઠા ફોનથી વૃદ્ધ પાસે ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાતા જેલ તંત્ર ઉઘતું ઝડપાયું હતું અને જેલમાં આ આરોપી પાસે મોબાઈલ હોવાનો પર્દાફાશ થયો હતો. હાલ આ આરોપી ડાડાને ફરી પોલીસે જેલમાં ધકેલી દીધો છે. ત્યારે જેલમાં ગેરકાયદેસર ફોન આપનાર તેના ભાઈ વિરુદ્ધ હવે ગુન્હો નોંધાશે કે કેમ? તે જોવું રહ્યું.