આ પૃથ્વી ઉપર વસતા સજીવોમાં સહુથી બુદ્ધિશાળી ગણાતા સજીવ માનવે પૃથ્વીનું નિકંદન કાઢવાનું પગલું ભર્યું અને એનાં પરિણામે ગ્લોબલ વોર્મિંગ, પોતાનું ચક્ર ખોઈ બેઠેલી ઋતુઓ, જાતજાતના રોગ, કુદરતી સંસાધનોનું ઘટતું પ્રમાણ – આ બધું આપણે સહુ અનુભવી રહ્યાં છીએ. પછી ભલે ને આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા હોઈએ.

આ ઓછું હોય તેમ કચરાના ઉત્પાદનમાં માણસજાતે આડો આંક વાળી દીધો છે. સિંગલ યુજ પ્લાસ્ટિકથી માંડીને ઈ-વેસ્ટ સુધીના કચરાના ઢગલા ખડકાયા છે અને હજુ તેમાં વધારો થઈ રહ્યો છે. આવી કપરી પરિસ્થિતિ સામે હારીને બેસવાને બદલે તેનો ઉપાય શોધનારા લોકો પણ સદનસીબે છે. જેમ કે કચ્છમાં કાર્યરત એવી એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીજ પ્રાઇવેટ લિમિટેડનાં સામાજિક દાયિત્વ વિભાગ એટલે કે સી.એસ.આર. દ્વારા આ મુદ્દે પહેલ કરવામાં આવી રહી છે. ‘સંકલિત ઘન કચરા વ્યવસ્થાપન’ નામનો આ પ્રકલ્પ એગ્રોસેલ સી.એસ.આર. અને રિજિયોનલ એન્ડ અર્બન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન નામની અમલીકરણ સંસ્થા દ્વારા ભુજ તાલુકાનાં કુકમા, ભુજોડી અને સુમરાસર (શેખ) ગામોની ત્રણ પંચાયત સાથે શરૂ કરવામાં આવી રહ્યો છે.

આ પ્રકલ્પના લોન્ચિગ કાર્યક્રમનું કુકમા ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય પંચાયતના આગેવાનો હાજર રહ્યા હતા. કુકમા પંચાયતનાં સભ્ય શ્રી ગીતાબહેને સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રાર્થના બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી યોગીન્દરસિંઘજીએ એગ્રોસેલ અને આ પ્રોજેક્ટ વિષેની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે એગ્રોસેલ એવી કંપની છે, જે કોઈ પણ સારું કામ કરવા માટે હમેશાં આગળ રહે છે. કંપનીનો સીએસઆર વિભાગ આવાં સમાજોપયોગી કામ માટે દર વખતે પહેલ કરે છે. પ્રોજેક્ટનો કન્સેપ્ટ અને જરૂરિયાત સમજાવતાં સીએસઆર હેડ શ્રી બીરેનભાઈએ જણાવ્યું હતું કે સી.એસ.આર.માં હમેશાં પૂ, કાંતિસેનકાકા અને પૂ. ચંદાકાકી પાસેથી કેળવેલાં સેવા અને સંસ્કારનાં મૂલ્યોને પ્રાધાન્ય આપવામાં આવે છે. એમણે કહ્યું હતું કે પૈસા બધું નહી કરી શકે. અગત્યનું છે કે નાગરિકોની વિચારસરણી બદલાય. પંચાયત, નાગરિકો, કંપની અને સંસ્થા દ્વારા અમલી થનારા આ પ્રોજેક્ટ દ્વારા એ પ્રયાસ કરવાની તેમણે ખાતરી આપી હતી. ભાવિ પેઢીને આપણે કચરો નહી, પણ સ્વસ્થ અને સ્વચ્છ પર્યાવરણ આપીએ એ વાત ઉપર તેમણે ભાર મૂક્યો હતો.

રિજિયોનલ એન્ડ અર્બન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સીઈઓ સંજીવ અરોરાએ જમ્મુ ખાતે તેમની સંસ્થા દ્વારા જે ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરી થઈ રહી છે એનો અનુભવ અને નાગરિકોના સહકારથી સફળ અમલીકરણ કઈ રીતે કર્યું છે એની રજૂઆત પાવર પોઈન્ટથી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ત્રણેય ગામોમાં પણ આ જ રીતે કામ કરીને આપણે સફાઇના કામ સાથે જોડાયેલા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરીશું.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં જીલબહેન અને પરાસરિયાસાહેબ હાજર રહ્યા હતા. જીલબહેને આ પ્રકલ્પને શુભેચ્છાઓ આપવાની સાથે તેઓ તરફથી તમામ સહકાર મળી રહેશે એવી ખાતરી આપી હતી. જીલબહેન અને ધર્મેશભાઈએ બધાંને “કચરો બાળીશું નહિ, કાપડની થેલી સાથે રાખીશું” વગેરે શપથ પણ લેવડાવ્યા હતા.
ત્યાર બાદ ‘પ્લાસ્ટિક લાઓ થેલા પાઓ’ એ જુંબેશનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેના હેઠળ પંચાયત સ્તર ઉપર એક જગ્યા ફાળવીને, નિયત કરેલા માપદંડ મુજબ ત્યાં જે લોકો પ્લાસ્ટિક આપશે એ મુજબ એમને કાપડની બેગ આપવામાં આવશે.
સુમરાસર(શેખ)ના સરપંચ શ્રી રણછોડભાઈએ ખાતરી આપી હતી કે જ્યારે પણ સંજીવભાઈ બીજી વાર સુમરાસર આવશે ત્યારે એમને ગામમાં કચરા વ્યવસ્થાપનના મુદ્દે કંઈ વિશેષ જોવા મળશે. એ જ રીતે કુકમા બાલિકા પંચાયતનાં સરપંચ ઊર્મિ ચાડે કહ્યું હતું કે અમે કચરાનું વિભાગીકરણ અને યોગ્ય નિકાલ થાય એ માટે ગામની પંચાયત સાથે ખભેખભા મિલાવીને કામ કરીશું.
ભુજોડી ગામના પ્રબુધ્ધ આગેવાન ગાભુભાઈએ કહ્યું હતું કે એગ્રોસેલના સીએસઆરના સિનિયર સ્ટાફ મેમ્બર્સ અમારાં ગામમાં આવીને કચરા જોખતા. તો અમારા ગામના કચરાનું વ્યવસ્થાપન કરવાની અમારી જવાબદારી બને છે. અમે બધા આ કામમાં સાથે જ છીએ.
કાર્યક્રમમાં કંપનીના સિનિયર્સ રાણાજી સોઢા, એચ. પી. સોની, ખુશાલભાઈ, પોપટભાઈ, નીતિનભાઈ, મેહુલભાઈ, જયભાઈ, પ્રિતેશભાઈ અને એગ્રોસેલ સાથે જોડાયેલી સાથી સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. મહેમાનોનું સ્વાગત ગોબરમાંથી બનાવેલાં તુલસીનાં કુંડા આપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન એગ્રોસેલના ધર્મેશભાઈ અંતાણીએ સંભાળ્યું હતું.