- ગોધરા પાલિકા અને વાવડી (બુ) વચ્ચેની રાજકીય લડાઈઓમાં મરો તો પ્રજાજનોનો…..
- વરસાદી પાણીના સંગ્રહને લઈને સ્થાનિક રહીશોમાં રોગચાળાનો સતત ભય…..
#મોહસીન દાલ, ગોધરા
ગોધરા શહેરના વાવડીબુઝુર્ગ વિસ્તાર માં આવેલા બાપુનગર, ઉત્સવ પાર્ક, અને સિધ્ધિ વિનાયક સોસાયટીના રહીશો છેલ્લા દસ વર્ષથી દર ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે. આ અંગે વારંવાર ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો સહિત ગોધરાના ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પણ પરીણામ શૂન્ય આવે છે. કેમ કે ત્રણેય સોસાયટીના રહીશો જાણે ચારે બાજુ નદીઓના વહેણ અને રોડ ઉપર જામી ગયેલા લીલના થર વચ્ચે જીવવા મજબૂર બની ગયા હોય તેમ ત્યાંના સ્થાનિક લોકોને બહાર નીકળવું ભારે પડી ગયું છે કેમ કે લીલના જામી ગયેલા થરમાં ચાલવા જાય તો પડી જવાનો ભય સતાવી રહ્યો છે, બીજી બાજુ આ ત્રણેય સોસાયટીમાં રહેતા સ્થાનિક રહીશોના બાળકોને અભ્યાસ ઉપર પણ અસર જોવા મળી રહી છે કારણ કે એક ફૂટ થી વધારે પાણીના ભરાવા અને ચારે બાજુ લીલના જામી ગયેલા થરના લીધે મહિનાઓ સુધી સ્કૂલમાં જતા નથી જેના લીધે બાળકોને પૂરતો અભ્યાસ મળતો નથી, અને અહી રહેતા ઉંમર લાયક લોકોને મંદિર દર્શન કરવા જવું હોય તો કઈ રીતે જાય કારણકે તેમના ઘરની બહાર જ જાણે નદીના વહેણ વહેતા હોય તેમ પાણી વહી રહ્યું છે. અને બહાર આવે તો પડી જવાનો ભય લાગે છે જ્યારે કેટલીક ઉંમરલાયક મહિલાઓને બહાર કરીયાણું કે શાકભાજી ને લાવવી હોય તો કઈ રીતે લાવે કેમ કે ઘરની બહાર છેક રોડ સુધી પાણીનો ભરાવો અને લીલના થર અતિશય મચ્છરોનો ઉપદ્રવ જેના લીધે મેલેરિયા, કોલેરા, ડેન્ગ્યુ જેવા રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાઓ પણ વધવા લાગી છે. જેથી સત્વરે આ સોસાયટીમાંથી ચોમાસાના પાણીના ભરાવાનો નિકાલ કરવામાં આવે તેવી અહીંના રહીશોની માંગ ઉઠવા પામી છે.
વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતમાં સમાવેશ થતા બાપુનગર, ઉત્સવ પાર્ક અને સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશો ને પડી રહેલી તકલીફોનું વર્ણન કરતા બાપુનગર વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાના મંદિરના પૂજારી કન્યાદાન નાથુમાલ એ જણાવ્યું હતું કે છેલ્લા નવ વર્ષથી હું આ મંદિરમાં પૂજારી તરીકે પૂજા કરું છું અને જ્યારથી આવ્યો છું ત્યારથી ચોમાસાના પાણી ભરાવવાની સમસ્યા છે. ચારે બાજુ વરસાદી પાણીના ભરાવો અને લીલના જામી ગયેલા થર બાબતે અમે ગોધરાના ધારાસભ્યને રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી તેનો નિકાલ થયો નથી જેથી સત્વરે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તે આવશ્યક બની ગયું છે.
ત્યારબાદ ઉત્સવ પાર્ક સોસાયટીમાં રહેતા સ્થાનિક અરવિંદ ભાટીયાએ જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં ૨૫૦ થી ૩૦૦ લોકોની વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તાર આવેલો છે, જ્યાં દર ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે જેના કારણે લીલના થર જામી જાય છે અને આના લીધે અમારાથી ઘરની બહાર નીકળાતું નથી અને ચારે બાજુ મચ્છરોએ માઝા મૂકી છે. પરિણામે મેલેરિયા ડેન્ગ્યુ, કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાઓ સતાવી રહી છે. અમારા સોસાયટીના રહીશોએ વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી. પરંતુ પંચાયતના લોકો આવી અને જતા રહે છે પછી કામ કરવાનું ભૂલી જાય છે.