- ખરસાલીયા પાસે રાત્રીના અંધકારમાં ઉભેલી ટ્રેનમાંથી પર્સોને આંચકીને ફરાર થયેલા આ ચહેરાઓ ગોધરા ગેંગના હોવાની રેલ્વે પોલીસ ફોર્સની આશંકાઓ
- ચાલુ ટ્રેન માંથી મુસાફરોના સામાન તફડાવવાના કારનામાઓ સામે લૂંટના ગુન્હા કેમ દાખલ કરાતા નથી…..
મોહસીન દાલ,ગોધરાવડોદરા રેલ્વે સ્ટેશન છોડીને દિલ્હી તરફ જતી મધ્યરાત્રીની ટ્રેનોમાં ગોધરા રેલ્વે સ્ટેશન આવે આ પહેલા મુખ્યત્વે મહિલા મુસાફરોના કિંમતી સામાન ભરેલા લેડીઝ પર્સ, ચેઈન સ્નેચીંગ અને મોબાઈલ ફોનો આંચકી ચાલુ ટ્રેને અંધકારમાં ફરાર થઈ જવાના ગોધરા ગેંગના એ પાંચ સાગરીતો સામે રેલ્વે પોલીસ તંત્ર દ્વારા લૂંટનો ગુન્હો દાખલ કરવાના બદલે સામાન્ય ચોરીનો ગુન્હો દાખલ કરવાના અને પકડાઈ જાય તો આસાની પૂર્વક જામીન મુક્ત થઈ જઈશું ના આ સિન્ડિકેટ ગેંગના ચહેરાઓએ ગત તા.૨૨મી ની મધ્યરાત્રીએ દોન્ડ-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેન ખરસાલીયા સ્ટેશન પાસે અચાનક ઉભી થઈ કે આ ગેંગે ચેઈન પુલિંગ કરીને થાંભવ્યા બાદ અંદાઝે ₹ ૧.૩૯ લાખની કિંમતના ત્રણ મહિલાઓના કિંમતી પર્સોને આંચકીને ફરાર થઈ જવાના આ ચકચાર ભર્યા બનાવમાં રેલ્વે પોલીસ ફોર્સના કાફલાના સત્તાધીશો એ બહુચર્ચિત આ ગોધરા ગેંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તપાસો હાથ ધરી હોવાનું કહેવાય છે. આ પાંચ સભ્યોની ગેંગની મોડસ ઓપરેન્ડી એવી છે કે ગોધરાથી કારમાં સવાર થઈને વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર ૩ સાગરીતો ઉતરીને મધ્યરાત્રીની ટ્રેનોમાં મુસાફરી કરીને લૂંટ અને ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ નક્કી કરેલ સ્થળે જ્યાં કાર ઉભી હોય એમાં બેસીને પલાયન થઈ જતા હોય છે.
ગોધરા રેલ્વે સ્ટેશન ટ્રેનોમાંથી ચોરી થવાની ઘટનાઓ માટે પ્રખ્યાત બન્યું છે. ટ્રેનમાં સલામતી મુસાફરીનો દાવો કરતી રેલ્વે વિભાગની ટ્રેનોમાં મુસાફરોનો કિંમતી સામાનની ચોરીના બનાવો ગોધરા રેલ્વે સ્ટેશન નજીક બનતા હોય છે. ચોક્કસ ટોળકી દ્વારા ટ્રેનમાં ચોરીને અંજામ આપતી હોવા છતાં રેલ્વે પોલીસની ઢીલી નીતીના કારણે મુસાફરોને કિંમતી સામાન અને પૈસાથી હાથ ધોવાનો વારો આવ્યો છે.
દોન્ડ-ઇન્દોર એકસપ્રેસ ટ્રેન ગોધરાના ખરસાલીયા પાસે ઉભી રહેતા ચોર ગેંગના સભ્યોએ ટ્રેનના અલગ અલગ કોચમાંથી ૪ મહિલાઓના કિંમતી પર્સની ચોરી કરતાં મુસાફરોએ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે હોબાળો મચાવ્યો હતો. તા.૨૨ જુલાઇના રોજ દોન્ડ- ઇન્દોર ટ્રેન ગોધરા રેલ્વે સ્ટેશન આવતા પહેલા ટ્રેન કોઇ કારણસર ખરસાલીયા નજીક ઉભી રહી હતી. ટ્રેન ઉભી રહેતા ચોરોએ ટ્રેનના કોચ એસ-૫માં મુસાફરી કરતાં દીક્ષીતાબેન અમૃતભાઇ પટેલના ૮ હજારની મત્તાના લેડીઝ પર્સને અજાણ્યા ચોરે બારીમાંથી હાથ નાંખીને ચોરી કરી લીધું હતું. ચોરોએ ટ્રેનના એસ-૫ કોચની બારીમાંથી હાથ નાંખીને રમીલાબેન ઉત્તમભાઇ સેટેનું સોના દાગીના મળીને કુલ ₹ ૪૫ હજારની મત્તાનું પર્સ, એસ-૫ કોચમાં મુસાફરી કરતાં કીષ્ણાબેન મહેશભાઇ સીંગલેનું ₹ ૬૬ હજારની મત્તા ભરેલું લેડીઝ પર્સની ચોરી થતાં ટ્રેનમાં ભય પ્રસરી ગયો હતો. ટ્રેનની બારીમાંથી ગઠીયાઓએ ત્રણ મહિલાઓના ₹ ૧.૩૯ લાખની મત્તાની ચોરી કરી હોવાની ફરીયાદ ગોધરા રેલ્વે પોલીસ મથકે નોંધવામાં આવી હતી.