@ ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
સરકારી સંસ્થાઓમાં ફરજ બજાવનાર કર્મચારી જ્યારે ગેરકાયદેસર કામગીરી અટકાવવા માટે પોતાની ફરજ પર નિષ્ઠા બતાવે છે ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર ગ્રાહક કોઈને કોઈ બહાને હુમલા કરીને કામગીરી માં રુકાવટ કરતા હોય છે. આવી જ એક ઘટના માલપુરના ચોરીવાડ ગામે બનવા પામી છે.
માલપુર વીજ વિભાગની ટીમ આજે માલપુરના ચોરીવાડ ગામે રહેતા પ્રવીણ ભાઈ સોલંકીના ઘરે એક વર્ષનું વીજ બિલ બાકી હોવાથી વીજ વિભાગ દ્વારા ઘરનું કનેક્શન બંધ કરી વીજ મીટર કાઢી ગયા હતા. ત્યારબાદ વિભાગીય કચેરી મોડાસાની સૂચનાથી માલપુર યુજીવીસીએલની ટીમ ચોરીવાડ ગામે વીજ કનેક્શનની તપાસ માટે ગયા ત્યારે પ્રવીણભાઈ સોલંકીના ઘરે બહાર પટમાં પંખો ફરતો જોયો. જેથી વીજ વિભાગની ટીમ પ્રવીણ સોલંકીના ઘરે તપાસ કરવા ગઈ તો તેમના ઘર પાસે આવેલ વોટર વર્ક્સની લાઇનમાંથી વાયર લંબાવી ગેરકાયદેસર વીજળી ઉપયોગમાં લેતા જણાયા હતા.
તેઓને આ અંગે પૂછતા પ્રવીણ સોલંકીનો પુત્ર સાગર સોલંકી અને તેમના પત્ની તથા પ્રવીણ ભાઈ પોતે ઉશ્કેરાઈ જઈ વીજ વિભાગની ટીમના કર્મીઓ ઉપર ગડદા પાટુનો માર માર્યો અને પગમાં લાકડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી માલપુર વીજ વિભાગના એન્જીનિયરે માલપુર પોલીસમાં પ્રવીણ સોલંકી, તેનો પુત્ર સાગર સોલંકી અને પત્ની સવિતા સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે અને માલપુર પોલીસે ફરિયાદ આધારે કાર્યવાહી હાથધરી છે.