@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના સંસ્કારધામ, ગુરુકુળ ખાતે કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કક્ષાનાં ૭૪મા વન મહોત્સવનો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. પ્રાસંગિક ઉદ્દબોધન કરતા ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું કે માનવજાતે આધુનિક જીવનશૈલી અને સુખ સુવિધાઓ પાછળની દોટમાં પર્યાવરણને ઘણુ નુકસાન પહોંચાડ્યું છે ત્યારે પર્યાવરણ સંરક્ષણ માટે સરકારનાં પ્રયાસોમાં તમામ નાગરિકો વિવિધ સ્તરે સક્રિયપણે સહભાગી થાય તે અનિવાર્ય છે.
મંત્રીશ્રીએ ગુજરાતમાં જંગલ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં વૃક્ષોના વાવેતરની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે, વર્ષ 2003માં 25 કરોડ 10 લાખ વૃક્ષોનું વાવેતર થયું હતું, જયારે વર્ષ 2021માં 39.75 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આમ એકંદરે વૃક્ષોના વાવેતરમાં 58.26 ટકાનો વધારો થયો છે. આ પ્રગતિને બિરદાવતા રાજ્ય સરકાર અને વનકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉપરાંત, સરકાર દ્વારા કરાયેલી કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને પર્યાવરણ સંવેદનશીલતાનાં પગલે સમગ્ર રાજ્યમાં સાંસ્કૃતિક વનોની રચના કરવામાં આવી છે, જેનાં ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાને પણ વટેશ્વરવન અને ભક્તિવન એમ બે સુંદર સમૃદ્ધ સાંસ્કૃતિક વનોની ભેટ મળી છે. આ સાંસ્કૃતિક વનો ઔષધીય ગુણો ધરાવતા અનેક વૃક્ષોનું સંરક્ષણ, સંવર્ધન કરવા સાથે નાગરિકોને પ્રકૃતિનું શિક્ષણ આપવાનું ઉત્તમ માધ્યમ બન્યા છે. લોકો વનોમાં પ્રવાસન કરી પ્રકૃતિથી નજીક આવતા થયા છે ત્યારે બાળકોમાં પણ પ્રકૃતિ પ્રેમ વધે તે માટે વટેશ્વરવન સહિત વનોમાં તેમનો પ્રવાસ ગોઠવવા પણ મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.
વૃક્ષોને પર્યાવરણનું અભિન્ન અંગ જણાવતા ડો. મુંજપરાએ રાજ્યમાં વન આચ્છાદિત વિસ્તારમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ પ્રોજેક્ટ વિશે તેમજ કેન્દ્ર સરકારની નગર વન યોજના, સ્કૂલ નર્સરી યોજના, આંગણ વાડીમાં બનાવવામાં આવતી પોષણ વાટિકા વિશે તેમજ ‘મિયાવાકી પદ્ધતિ’ વિશે પણ વિગતવાર માહિતી આપી હતી.
‘છોડમાં રણછોડની ભાવના’ લોકોમાં વન મહોત્સવ થકી પ્રબળ બની છે. ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ અને મહાનગર પાલિકા સહિતના વિસ્તારોમાં વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત સરકાર દ્વારા 10.40 કરોડ રોપાનું વિતરણ કરવામાં આવનાર છે ત્યારે સરકારના રોપાના વાવેતર માટેના આ લક્ષ્યાંકને પૂર્ણ કરવા આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ અને વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેનાં ઉછેર અને જતનમાં પણ એટલું જ ધ્યાન આપીને પર્યાવરણ સંરક્ષણ માટે મદદરૂપ બનવા માટે વિનંતી કરી હતી.
દસાડાનાં ધારાસભ્ય શ્રી પી.કે પરમારે પોતાનાં પ્રવચનમાં માનવ જીવનમાં વૃક્ષોનાં મહત્વ વિશે વિસ્તારથી વાત કરતા જણાવ્યું હતું કે વનસંપદા આપણી ધરતીની અણમોલ સંપત્તિ છે. આ અમૂલ્ય સંપદાનાં સંવર્ધન માટે દરેક વ્યકિતએ વૃક્ષારોપણ કરવું જોઈએ.
ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશ વરમોરાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,વૃક્ષો પ્રકૃતિનું અભિન્ન અંગ છે. સંસ્કૃતિ અને પ્રકૃતિના પોષણ માટે વૃક્ષો જરૂરી છે માટે વધુ ને વધુ વૃક્ષો વાવી વસુંધરાની શોભા વધારવા મદદરૂપ બનવું જોઈએ.
પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી અને હાલના લીંબડી ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને વનસંપદાનું મહત્વ સમજતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષ 2004થી વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. તેમનાં દૂરંદેશીભર્યા આ પગલાનાં સુફળ આજે ગુજરાતને મળ્યા છે.
અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી એસ.કે.શ્રીવાસ્તવે ઉદબોધન કરતા જણાવ્યું કે,હાલમાં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધી રહી છે.આ સમસ્યાને નાથવા વૃક્ષો ખૂબ જ ઉપયોગી બને છે.વધુમાં તેઓએ વન વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે ટૂંકમાં માહિતી આપી બધાને વાકેફ કર્યા હતા.ઉપરાંત લોકો વધુને વધુ વૃક્ષ ઉછેરી શકે તે માટે ગુજરાત વન વિભાગ દ્વારા QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે, જે QR કોડ સ્કેન કરવાથી વિવિધ વિસ્તારોમાં વિવિધ રોપા, નર્સરી તેમજ વન વિભાગને લગતી માહિતી મેળવી શકાય છે. હેલ્પ લાઇન નંબર 832000 2000 પર વોટસએપ મેસેજ કે કોલ કરવાથી પણ વન વિભાગ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ તેમજ રોપા વિશેની માહિતી સરળતાથી મેળવી શકાશે. ગુજરાત સરકાર દ્વારા 21 લાખ રોપાનું વિતરણ કરવાનાં સંકલ્પને સિદ્ધ કરવા માટે દરેક નાગરિકે સહકાર આપવાના સૂચન સાથે તેઓએ આપણે જીવનના નાના મોટા કોઈ પણ પ્રસંગે વૃક્ષો અચૂક વાવવા જોઈએ અને વૃક્ષોનું જતન કરવા માટે આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના વરદહસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજિક વનીકરણ વિભાગ નાયબ વન સંરક્ષકશ્રી રાધિકા પરસાણા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું જયારે આભાર વિધી ધ્રાંગધ્રા ઘુડખર અભ્યાણ્ય, નાયબ વન સંરક્ષકશ્રી ધવલભાઈ ગઢવી દ્વારા આભાર વિધિ રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અગ્રણી સર્વેશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી જયેશ પટેલ,શ્રી ધીરુભાઈ સિંધવ, શ્રી રાજભા ઝાલા સહિત નાયબ વન સંરક્ષકશ્રી નિકુંજ પરમાર, આર.એફ.ઓશ્રીઓ સહિત વન વિભાગના અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.