- ઉત્કૃષ્ટ મહિલા કારગીર માટે લુપ્ત થતી કલા કારીગરનો એવોર્ડ
- છોટાઉદેપુરની મહિલા વારલી ચિત્રકારને લુપ્ત થતી કળા કેટેગરીમાં ૧.૨૫ લાખનું ઇનામ એનાયત થયું
- વર્ષ-૨૦૨૨ માટે ૭ પુરૂષ અને ૪ મહિલા કારીગરોને કુલ રૂ. ૯.૭૬ લાખના રોકડ પુરસ્કાર એનાયત
કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૧૬ અન્વયે વર્ષ-૨૦૨૨ માટે ૭ પુરૂષ અને ૪ મહિલા કારીગરો મળીને કુલ ૧૧ કારીગરોને એવોર્ડ સન્માન સાથે કુલ રૂ. ૯.૭૬ લાખના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં છોટાઉદેપુરની વારલી ચિત્રકાર અર્ચના રાઠવાનો પણ સમાવેશ થાય છે. આ એવોર્ડ-પુરસ્કાર કેટેગરીમાં ટેક્ષટાઇલ, ભરતકામ, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડુ તથા વાંસકામ/મેટલ ક્રાફ્ટ તથા અન્ય ક્રાફ્ટ – એમ કુલ ૪ કેટેગરી ઉપરાંત ઉત્કૃષ્ટ મહિલા કારીગર, ઉત્કૃષ્ટ યુવા કારીગર અને લુપ્ત થતી કલાના કારીગરની પુરસ્કાર કેટેગરીનો સમાવેશ થાય છે.
વર્ષ-૨૦૨૨ માટે એવોર્ડી કારીગરની યાદી પર નજર કરીએ તો, છોટા ઉદેપુરના અર્ચના રાઠવાને વારલી પેન્ટીંગ માટે ઉત્કૃષ્ટ મહિલા કારગીર માટે લુપ્ત થતી કલા કારીગરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કચ્છના હીરાભાઈ મારવાડાને ખરલ વિવિંગ ક્રાફ્ટ માટે ઉત્કૃષ્ટ યુવા કારીગર ટેક્ષટાઈલ કેટેગરીમાં કચ્છના મગનભાઈ વણકરને ટાંગલિયા વિવિંગ (હેન્ડલુમ) ક્રાફ્ટ માટે પ્રથમ તથા સુરેન્દ્રનગરના દિપકકુમાર વાઘેલા પટોળા વર્ક માટે દ્વિતિય એવોર્ડનું સન્માન મળ્યું હતું. ભરતકામ કેટેગરીમાં કચ્છના કંકુબેન ગરવાને વોલહેંગિગ આહિર ભરતકામ માટે પ્રથમ તથા કચ્છના રાણબેન હરિજનને કચ્છી ભરત નેરણવર્ક માટે દ્વિતિય એવોર્ડ મળ્યો હતો. આ જ રીતે મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડુ તથા વાંસકામ/મેટલ ક્રાફ્ટ કેટેગરીમાં સુરતના રાકેશકુમાર પેટીગરાને સાડેલી વર્ક (પેટીગરા માર્કવેટરી)ને પ્રથમ તથા કચ્છના અયુબ લુહારને કોપર બેલ (મેટલ વેર) માટે દ્વિતિય એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જ્યારે અન્ય ક્રાફ્ટ કેટેગરીમાં અમદાવાદના રોશન ચિતારાને માતાની પછેડી ક્રાફ્ટ માટે પ્રથમ તથા આણંદના કમલભાઈ ભટ્ટને નખચિત્ર કળા માટે દ્વિતિય ક્રમના એવોર્ડનું સન્માન મળ્યું હતું.
દરેક ક્રાફ્ટમાં દરેક કારીગરને પ્રથમ એવોર્ડ માટે રૂ.૧ લાખ અને દ્વિતીય એવોર્ડ માટે રૂ.૫૦ હજાર, ઉત્કૃષ્ટ મહિલા કારીગર એવોર્ડ માટે રૂ.૧.૨૫ લાખ, યુવા કારીગર એવોર્ડ માટે રૂ.૧ લાખ, જ્યારે લુપ્ત થતી કલાના કારીગર એવોર્ડ માટે રૂ.૧.૫૧ લાખ મળી વર્ષ- ૨૦૨૨ માટે કુલ રૂ. ૯.૭૬ લાખના રોકડ પુરસ્કાર એનાયત કરી શાલ-તામ્રપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર