ગોધરામાં આઈ.ટી.આઈ. પાછળ ભરવાડવાસ વિસ્તારના ૧૨૦૦ થી વધુ રહીશો હાલમાં પણ પ્રાથમિક જરૂરીયાતો અને સુવિધાઓથી વંચિત….
@મોહસીન દાલ, ગોધરા
ગોધરાના વાવડી બુઝર્ગ પંચાયત વિસ્તારમાં સમાવેશ થતા આઈ.ટી.આઈ પાછળ આવેલા ભરવાડવાસ વિસ્તાર આજે પણ પોતાની પ્રાથમિક જરૂરીયાતો અને સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. જ્યાં આજે પણ પીવાનું પાણી, ગટર લાઈન, સાફ-સફાઈ, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ મળતી નથી. વારવાર પંચાયત સહિત ગોધરાના ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પણ સુવિધા પ્રાપ્ત થઈ નથી. જેના કારણે આજે પણ ત્યાંની મહિલાઓને દૂર સુધી પીવાનું પાણી હેન્ડ પંપમાંથી લાવવું પડે છે અને આજ પાણી પીવા માટે વાપરવું પડે છે. કારણ કે આજ દિન સુધી નલ સે જલ યોજના થકી પીવાના પાણીની લાઈન નાંખવામાં આવી નથી, ગોધરા શહેરના આઈ.ટી.આઈ પાછળ વિસ્તારમાં આવેલા ભરવાડ વાસના ૧૨૦૦થી વધારે લોકો વસવાટ કરે છે જ્યાં આજે પણ વિકાસ ઝંખી રહ્યા છે.
ગોધરાના પ્રભા રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ. પાછળ ભરવાડ વાસની મહિલાઓ અને દીકરીઓ પોતાના ઘરે પીવાના પાણીની લાઈન ન હોવાના કારણે કાદવ કીચડ માંથી પસાર થઈને પંચાયતના હેન્ડ પંપમાં પાણી ભરવા જવા મજબૂર બની રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ વાવડી બુઝર્ગ પંચાયતમાં સમાવેશ થતા આઈ.ટી.આઈ પાછળ આવેલ ભરવાડ વાસના સ્થાનિક ૧૨૦૦થી વધારે લોકો પોતાના પ્રાથમિક સુવિધાઓ થી વંચિત જોવા મળી રહ્યા છે. ભરવાડ વાસની મહિલાઓ અને દીકરીઓને ચારે કોર કાંટાળી વનસ્પતિ વચ્ચે હેન્ડ પંપ ઉપર પાણી ભરવું પડે છે. ત્યારે આવા ચારેકોર પથરાયેલી કાંટાળી વનસ્પતિની અંદર કોઈ ઝેરી જનાવર પાણી ભરતી વખતે દુર્ભાગ્ય કઈ અજોગતું બની જાય તો તેનો જવાબદાર કોણ.? ત્યારે આ પંચાયત વિસ્તારના લોકો પોતાને આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ અને સગવડો ઉપલબ્ધ થાય તે માટે ઝંખના કરી રહ્યા છે. ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા આ વિસ્તારમાં પાણીની લાઈન, ગટર લાઇન સ્ટ્રીટ લાઈટ, સાફ- સફાઈ જેવી સુવિધાઓ તેમજ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તે માટે માંગ કરી રહ્યા છે.
ત્યારે ગોધરા શહેરના ભરવાડ વાસમાં રહેતા જેઠાભાઇ ભરવાડ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ૧૨૦૦ થી ૧૩૦૦ લોકો વસવાટ કરે છે. અને અત્યાર સુધી અમારા વિસ્તારમાં નલ સે જલ યોજના તેમજ પીવાના પાણીની ટાંકી, ગટર લાઈન જેવી કોઈપણ સગવડ નથી જેના લીધે ચોમાસામાં વરસાદ પડે ત્યારે અમારા વિસ્તારમાં ચારે કોર પાણી ફરી વળે છે. અને આ બાબતે અમે જિલ્લા કલેકટર થી લઈને ધારાસભ્યને રજૂઆત કરી પરંતુ કોઈપણ પ્રકારનું નિરાકરણ આવતું નથી. આજ દિન સુધી અમારા વિસ્તારમાં ના તો તલાટી આવે છે કે ના તો સરપંચ જ્યારે સરપંચ અમને એમ કહે છે કે મારો એક વર્ષની ટર્મ પૂરી થઈ ગઈ છે. એટલે હું કઈરીતે ત્યાં આવું જેના કારણે અમને ન તો પીવાનું પાણી, ગટર લાઈનની સુવિધા પ્રાપ્ત થઈ નથી. કારણકે અમારા ઘર આંગણાની સામે જ અતિશય ગંદકી વરસાદી પાણીનો ભરાવા જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ મેલેરીયા, કોલેરા, ડેન્ગ્યુ જેવી બીમારીઓએ દસ્તક લીધી છે. અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે દરેક પક્ષના લોકો આવે છે અને કહે છે કે અમને વોટ આપો તમારું કામ થઈ જશે પણ વોટ લીધા બાદ કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી. વેરાઓ ભરવા છતાં પણ કોઈપણ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણી જેવી સમસ્યાઓથી આજે પણ અમારા વિસ્તારના લોકો વલખાં મારવા પડે છે. બીજી બાજુ અમારે ઘરની બહાર નીકળવું હોય તો સો વખત વિચારીને નીકળવું પડે છે. કારણ કે ઘરે આંગણામાં જ ગંદકીનું સામ્રાજ્ય વરસાદી પાણીનો ભરાવો જેના લીધે અમારા ઘરે મહેમાન આવતા નથી. અને આવતા વિચાર કરે છે. રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી થતી નથી. ગટર લાઈનમાં ભૂંગળાઓ નાંખી દીધા છે. પણ યોગ્ય પાણીનો નિકાલના હોવાના કારણે ગટર લાઈન પણ ચોક-અપ થઈ જાય છે. આજે પણ ૧૦૦થી વધારે ઘરના લોકો આવી અસુવિધાઓથી પીડાઈ રહ્યા છે. અને આજ દિન સુધી નલ સે જલ યોજનામાં કોઈપણ પ્રકારનો લાભ મળ્યો નથી.નલ સે જલ યોજના ખાલી કાગળ ઉપર છે તેવું જેઠાભાઇ ભરવાડે આક્ષેપ સાથે કહ્યું હતું.