@sachin pithva, સુરેન્દ્રનગર
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં 9 થી 31 ઓગસ્ટ દરમિયાન “મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત, વઢવાણ ખાતે “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અને સંઘર્ષના પરિણામે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા તેમજ આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાના સ્વપ્ન માટે રોડમેપ તૈયાર કરવા વડાપ્રધાનશ્રીએ “આઝાદી કા અમૃત મહોત્સવ”નો શુભારંભ કરાવ્યો હતો. આ અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને વધુ યાદગાર બનાવવા અને સ્વાતંત્ર્ય સેનાની અને દેશ માટે બલિદાન આપનાર દરેક વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, 9 ઓગસ્ટના રોજ મહાત્મા ગાંધી દ્વારા ‘હિન્દ છોડો’ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને 9 ઓગસ્ટથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમો અને માટીયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દેશભરના તમામ ગામડાઓ માંથી એક-એક મુઠ્ઠી માટી લઈ તેને તાલુકા કક્ષાએ એકત્ર કરી દિલ્હીના કર્તવ્યપથ સુધી લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકતી-શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ હાથમાં માટી લઈ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા અને વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદોને શ્રધાંજલિ અર્પી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાયમલભાઈ ચાવડા, ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ, કારોબારી ચેરમેનશ્રી સંજયભાઈ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી અમરતભાઈ ડાભી, અગ્રણી સર્વેશ્રી મુકેશભાઈ, દિલીપસિંહ, વનરાજસિંહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અર્પણ ચાવડા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8