@ partho alkesh pandya, patan
મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં “માટીને નમન,વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વના લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આવતી કાલે જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકાકક્ષાના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. જેમાં દરેક તાલુકાએ યોજાનાર કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ ગ્રામજનો સહભાગી બનશે. તાલુકા કક્ષાના તમામ કાર્યક્રમો સંલગ્ન તાલુકા પંચાયત કચેરીએ રાખવામાં આવ્યા છે.
આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની સ્મારક ઉજવણી અંતર્ગત આ વર્ષે તા.15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા.9 મી ઓગષ્ટથી ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામ્યકક્ષાના કાર્યક્રમો યોજાઈ ગયા છે. આવતીકાલે તાલુકા કક્ષાના કાર્યક્રમો યાજોવા જઈ રહ્યા છે. જિલ્લાના 9 તાલુકા પંચાયત કચેરી ખાતે આ તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે. પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, અને સાંતલપુરની તાલુકાપંચાયત કચેરી ખાતે શિલાફલકમ સ્થાપિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં પંચ પ્રણ પ્રતિજ્ઞા અને સેલ્ફીનું સ્થળ પર તાલુકા પંચાયત કચેરી જ નક્કી કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં વસુધા વંદન અંતર્ગત 75 જેટલા રોપાઓનું વાવેતર કરીને અમૃતવાટિકા નું નિર્માણ કરવામાં આવશે. તેમજ વીરો કા વંદન અંતર્ગત પોલીસ જવાનો, શહીદો, તેઓના પરિજનોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રગાન ગાઇને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
દેશભરમાં વર્ષ દરમ્યાન ‘‘આઝાદીના અમૃત મહોત્સવ’’ની અમૃતમય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીની પૂર્ણાહુતિને ભવ્યાતિભવ્ય બનાવવા જનભાગીદારી થકી દેશમાં સાર્વત્રિક અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે. દેશનાં વીર સપૂતોને વીરાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્ય સહ સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ દેશના અનેક વીરો – મહાપુરુષો કે જેઓએ આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી દેશ માટે શહીદી વહોરી હતી, તેમને શત શત વંદન કરવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે