- મહિલાઓને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે અનેક યોજનાઓનો અસરકારક રીતે અમલ કર્યો છે
- મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ૫૦% અને સરકારી નોકરીઓમાં ૩૩ ટકા આરક્ષણની જોગવાઈ કરી એનો ચોક્કસપણે અમલ કર્યો છે
- સંસદ હોય કે અવકાશ એમ દરેક ક્ષેત્રમાં આપણને આજે નારી શક્તિના દર્શન થાય છે
@sachin pithva, surendranagar
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને આજે મેડીકલ હોલ, વઢવાણ ખાતે સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દીનદયાલ અંત્યોદય યોજના તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૧માં મિશન મંગલમ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ગરીબી રેખા નીચે જીવતા પરિવારના સભ્યોને સખી મંડળ મારફત એકત્રિત કરી બેંકો અને લઘુધિરાણ સાથે જોડી ગરીબીમાંથી બહાર લાવવાનો છે.
મહિલા કલ્યાણલ યોજનાઓની જાણકારી આપતા નાયબ મુખ્ય દંડકએ જણાવ્યું હતું કે, બહેનો આર્થિક રીતે પગભર થાય અને તેમના સર્વાંગી વિકાસ માટે સરકારતરફથી અનેકવિધ સહાય માટેની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના થકી આજે મહિલાઓ આત્મનિર્ભર બની છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાઓને 1 હજાર દિવસ સુધી પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. તેમજ આદિજાતિ વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા સરકારે પોષણ સુધા યોજના અમલમાં મૂકી છે. ચિરંજીવી યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતી કોઈપણ પ્રસુતા માતા અને અનુસુચિત જનજાતિની માતાને સરકાર દ્વારા નકકી કરાયેલા દવાખાનાઓમાં વિનામૂલ્યે પ્રસુતિ કરાવી શકે છે. વિદ્યાર્થીનીઓએ ધોરણ ૮ પછી પણ શાળાકીય શિક્ષણ ચાલુ રાખવા વિદ્યા સાધના યોજના અંતર્ગત મફત સાયકલ આપવામાં આવે છે. આમ મહિલાઓને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે અનેક યોજનાઓનો અસરકારક રીતે અમલ કર્યો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય કે વહીવટી તંત્ર આજે મહિલાઓની હિસ્સેદારી ઉડીને આંખે વળગે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ૫૦% અને સરકારી નોકરીઓમાં ૩૩ ટકા મહિલાઓ માટે આરક્ષિત રાખવાનો સરકારે નિર્ણય કરી એનો ચોક્કસપણે અમલ કર્યો છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર બની છે. સંસદ હોય કે અવકાશ એમ દરેક ક્ષેત્રમાં આપણને આજે નારી શક્તિના દર્શન થાય છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા દ્વારા સ્વાગત પ્રવચન અને જિલ્લા લાઈવલીહુડ મેનેજર સતીશ ગમાર દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર અને ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્વ સહાય જૂથોને ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કેશ ક્રેડિટ લોન વિતરણ કાર્યક્રમ અંતર્ગત ૧૪ સ્વ સહાય જૂથોને ૩૩ લાખ ૫૫ હજારના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર લોન વિતરણ મેળામાં ૧૫૦ સ્વ સહાય જૂથોને ૧૯૫ લાખનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, લીડ બેંક મેનેજર શર્મા સહિત મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથો/ સખી મંડળ સાથે જોડાયેલી બહેનો ઉપસ્થિત રહી હતી.