ગંગા સ્વરૂપા સહાય યોજના અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓને સહાય હુકમોનું વિતરણ કરાયુ
પાટડી તાલુકાના વણોદ ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રી પી.કે.પરમારની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઈ હતી. આ રાત્રિ સભામાં જિલ્લા કલેક્ટરએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.સી. સંપટે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકોને સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા આવી રાત્રિ સભાઓનું આયોજન કરવામાં આવે છે. આ રાત્રિ સભાના માધ્યમથી લોકોના પ્રશ્નો અને રજૂઆતોનો સ્થળ પર નિકાલ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાટડી તાલુકામાં શિક્ષણની સારી એવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓનો લાભ લઇ દરેક દીકરા-દીકરીને યોગ્ય શિક્ષણ મળી રહે અને કોઈપણ બાળક ડ્રોપઆઉટ ન થાય તેની વિશેષ કાળજી લેવા પણ ઉપસ્થિતોને જણાવ્યું હતું. આ ઉપરાંત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા વિશેની જાણકારી આપી આ વિદ્યાલયમાં અભ્યાસનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટરએ આરોગ્ય વિષયક સુવિધાઓની જાણકારી આપી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા ગ્રામજનોને અપીલ કરી હતી તેમજ બાળકો, સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ માટેની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે હવે આ યોજનાના પ્રચાર પ્રસારમાં સખીમંડળની બહેનોને જોડવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતોમાં યોજાતી ગ્રામ સભાઓમાં સરકાર દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને મોકલવામાં આવે છે. જેથી કરીને ગ્રામજનોના પ્રશ્નો/સમસ્યાઓનો નિકાલ સ્થળ પર થઈ શકે. હવે સરકાર દ્વારા રાત્રિ સભાઓ યોજવામાં આવે છે. આ રાત્રી સભા દ્વારા લોકોને અધિકારીઓ દ્વારા વિવિધ યોજનાકીય જાણકારી આપવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે વણોદ આજુબાજુના લોકોને ઉદ્યોગો આવતા ઘણો ફાયદો થયો છે. આ વિસ્તારમાં સરકાર દ્વારા જી.આઇ.ડી.સી. મંજૂર કરવામાં આવી છે, જે કાર્યરત થયા બાદ અહીંના લોકોને ઘર આંગણે રોજગારી ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એ. પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે, જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ વિશે અને જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટ દ્વારા શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા કલેકટર અને ધારાસભ્યના હસ્તે ગંગા સ્વરૂપા સહાય યોજના અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓને સહાય હુકમોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ રાત્રિ સભામાં ગ્રામજનો દ્વારા ઇન્દિરાપરા વિસ્તારમાં રસ્તા, ગટરની સુવિધાઓ બાબતે, જમીન માપણી રી-સર્વેની પ્રક્રિયા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા.જિલ્લા કલેકટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી હતી.
આ રાત્રિ સભામાં જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એમ. રાયજાદા,નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત, પ્રાંત અધિકારીશ્રી ભાવનાબા ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ, મામલતદાર પ્રીતિ મોઢવાડિયા, તાલુકા વિકાસ અધિકારી ડી.સી. શાહ, તાલુકા પંચાયત પ્રમુખ ધવલભાઇ પટેલ, સરપંચ અનુપસિંહ વાઘેલા તેમજ વિવિધ વિભાગના અધિકારી/ કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.