#મોહસીન દાલ, ગોધરા
ગુજરાતમાં ઈસ્કોન બ્રિજના ગોઝારી દુર્ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ સખ્ત ટ્રાફિક ઝુંબેશ વચ્ચે આજ સવારમાં લુણાવાડા તરફથી વિદેશી શરાબના જથ્થાની પેટીઓ ભરીને શહેરા તરફ પુરઝડપે આવી રહેલ ઈકો ગાડીને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિરણીયા ચોકડી ઉપર આંતરીને અંદાઝે ₹ ૧.૪૪ લાખની કિંમતના વિદેશી શરાબની ૧૪૪૦ બોટલોનો જંગી જથ્થો ઝડપી પાડતા બુટલેગરોની અંધારી આલમમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
મહીસાગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના પુનઃ વધુ એક આગમનના સપાટાની પ્રાપ્ત વિગતો એવી છે કે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઈ.સી.એ.તાવીયાડે ચોક્કસ બાતમીના આધારે વહેલી સવારમાં લુણાવાડા પોલીસ સ્ટેશન મથકની હદમાં સ્ટેટ હાઈવે ઉપર વિરણીયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. એમાં લુણાવાડા તરફથી પુરઝડપે શહેરા તરફ આવી રહેલ એક ઈકો વાનને અટકાવીને તપાસ કરતા વિદેશી શરાબની ૨૦ પેટીઓના મુદ્દામાલ સાથે ગોધરા તાલુકાના રતનપુર(કાંટડી) ગામના ગાડીના ડ્રાયવર રોનક રતનસિંહ બારીઆને ઝડપી પાડ્યો હતો. ગાંધીનગર S.M.C. ટીમની સખ્ત પૂછપરછોમાં વિદેશી શરાબનો આ જથ્થો ગુજરાતમાં વિદેશી શરાબનો જથ્થો ઘુસાડવાની લાઈનના મુખ્ય આરોપી ઝાલોદ તાલુકાના રણીયાર ગામના રૂપેશ પ્રવીણભાઈ કોળીના સાગરીત સુનિલે આ શરાબનો જથ્થો ભરી આપ્યો હતો અને શહેરાના મોરવા-રેણાં ગામના બુટલેગર સુરેશને આ શરાબનો જથ્થો પહોંચાડવાનો હોવાની ચોંકાવનારી વિગતો સાથે ગાંધીનગર S.M.C.ની ટીમે વિદેશી શરાબની ૧૪૪૦ બોટલો સાથે ₹.૪.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને લુણાવાડા પોલીસ મથકમાં ફરીયાદ આપી હતી.