પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પંચમહાલ પોલીસ તંત્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ”ના કાર્યક્રમની ઉજવણીમાં આજરોજ પોલીસ હેડક્વાર્ટર ખાતેથી નીકળેલી વિશાળ રેલીએ શહેરભરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ ૯ ઓગસ્ટ થી લઈને ૧૫ ઓગસ્ટ સુધી ચાલનાર છે, ત્યારે આજે પંચમહાલ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વસુધા વંદન વીરોને વંદન, ધ્વજવંદન, રાષ્ટ્રગાન અને સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લઈને ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે એક વિશાળ જનજાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલી ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પોલીસ હેડક્વાર્ટર ખાતે પરત આવી હતી. જેમાં જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી, ગોધરા અને હાલોલના નાયબ પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના વિવિધ વિભાગના પોલીસ ઇન્સ્પેકટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જોડાયા હતાં.
@mohsin dal, godhra