(રીપોર્ટ:-શ્રીકાંત પટેલ મોરબી)
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં ત્રણ વર્ષ દરમિયાન રૂપિયા ૮૦ લાખથી વધુ રૂપીયાની ઉંચાપાત કરીને ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની કલંકિત કરતી ઘટના સામે આવી છે. ખુલ્લેઆમ ઠંડા કલેજે ઓન રેકોર્ડ આચરાયેલા ભ્રષ્ટાચાર ની જાણ જિલ્લા પંચાયત ને થતાં સમિતિ રચીને તપાસ શરૂ કરવામાં આવેલ પણ તેના નકર પરિણામ સામે આવ્યા ન હતા.
શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટનાની જાણ ગાંધીનગર પહોંચતા આ મામલામાં કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ છુટતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહિત અનેક રીતે ગેરરીતિ આચરનારા એક શિક્ષક, એક સીઆરસી શિક્ષકના પત્ની સહિત ડમી નામો સામે આવતા કાયદાકીય પગલા તોળાઈ રહ્યા છે. સમગ્ર મામલાની જાણ ઓડિટ દરમિયાન જ થઈ હતી પરંતુ સંબંધિત તંત્ર દ્વારા મામલાને ગંભીરતાથી લેવાયો ન હતો.
શિક્ષણ જગતને શરમમાં મુકનારા કૌભાંડમાં વિલનની ભૂમિકામાં રહેલા સામે હવે કાયદેસરના પગલા તોળાઈ રહ્યા છે. તેમાં પરમાર અરવિંદભાઈ નામના શિક્ષક અત્યારના બીઆરસી તેમજ હાલ સી.આર.સી તરીકે ફરજ બજાવતા અબ્દુલભાઈ શેરસીયા, શિક્ષક પત્ની બેલાબેન પરમાર તેમજ બેંક ખાતામાં નાણાકીય વહીવટ થયા હતા તે ડમી અલ્ફાજ બાદી, તોફિક હુસેન શેરસીયા અને મહંમદ હુસૈન મુખ્ય પાત્ર તરીકે કૌભાંડ આચરવામાં સામેલ રહ્યા છે તેવી પણ માહીતિ સુત્રો પાસે થી મળી રહી છે.
મોરબી જિલ્લાના શિક્ષક બેડા માં ચર્ચામા રહેલા આ કૌભાંડમાં વાંકાનેર તાલુકામાં વર્ષ ૨૦૧૭ થીં ૨૦૨૧ દરમિયાન બેફામપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો સમગ્ર ભ્રષ્ટાચાર ઓડીટ દરમિયાન જ બહાર આવી ગયો હતો. ભ્રષ્ટાચાર આચરનારાઓએ ગરીબ બાળકોની શિષ્યવૃત્તિની બચત રકમ વ્યક્તિગત ખાતામાં જમા કરાઈ હતી. રજાના રોકડ ની રકમ ડબલ વખત જમાં કરાવી બીજા વખતની રકમ વ્યક્તિગત ખાતામાં જમા કરાઈ હતી.આર ટી ઇ. અંતર્ગત કોઈ કારણસર અન્ય સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને મળતાં ૩૦૦૦ રૂપિયા જાણીતા વિદ્યાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરીને તે રૂપિયા પોતે હજમ કરી જતા હતા. શિક્ષકોને મળતા એરિયસ થી લઈ નિવૃત્ત થતા શિક્ષકોની રજા પૂરી કરવા સહિતના કામોમાં એનકેન પ્રકારે ગોટાળા આચરી રૂપિયા એંસી લાખથી વધુનું કૌભાંડ ઠંડા કલેજે આચરાયું હતું.
અહી એ વાત જણાવી દઈએ કે શિક્ષણ શાળાનો હિસાબી વહીવટ જિલ્લા કે તાલુકા પંચાયતના કર્મચારીઓને બદલે શિક્ષકો દ્વારા કરવામાં આવતો હોય જેના હાથમાં તેના મોમાં તે કહેવત મુજબ ઉપરોક્ત કૌભાંડ આચરાયું હતું. કૌભાંડની જાણ જિલ્લા પંચાયતને ઓડિટ દરમિયાન જ થઈ હતી અને તેના અનુસંધાને ચાર સભ્યોની સમિતિ બનાવી તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ આજ દિન સુધી કોઈ નકર કામગીરી કૌભાંડીઓ સામે હાથ ધરાઈ નહોતી. દરમિયાન આ ભ્રષ્ટાચાર ની જાણ ગાંધીનગર કમિશનર પ્રાથમિક શિક્ષણ વિભાગ સુધી પહોંચતા ફોજદારી ફરિયાદ નોંધાવાના આદેશો છૂટ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.