@rutul prajapati,arvlli
આજકાલ યુવક યુવતીઓના પ્રેમ પ્રકરણમાં ભવિષ્યનું વિચાર્યા વગર સગીર હોય તો પણ ભાગી જવાનો નિર્ણય કરીને પગલું ભરતા હોય છે. પણ આની વિપરીત અસર માતાપિતા પર થતી હોય છે. ત્યારે અમૂલ્ય જીવન ટૂંકાવીને લોકો મોતને વ્હાલું કરવા મજબુર બનતા હોય છે. આવી જ એક ઘટના માલપુર તાલુકાના મેવડા ગામે બનવા પામી છે.
મેવડા ગામમાં રહેતા સોમભાઈ ચમારના પુત્ર વિશાલ કુમાર ચમારને ગામની જ એક સગીર છોકરી સાથે પ્રેમસંબંધ હતો. જેથી તારીખ 16 ઓગસ્ટના રોજ વિશાલ ચમાર અને સગીરા બંને ભાગી ગયા હતા. ગામમાં દરેક જગ્યાએ બંનેની શોધખોળ કરી પણ ક્યાંય પત્તો ના લાગતા માલપુર પોલીસમાં પોકસો એક્ટ હેઠળ અને સગીરા અપહરણની યુવક વિશાલ તથા માતાપિતા સામે ફરિયાદ નોંધાઇ માલપુર પોલીસ આ સમગ્ર બાબતે તપાસમાં હતી.
તેવામાં તારીખ 24 ઓગસ્ટના રોજ યુવકના પિતા સોમભાઈ ચમારની તેમના જ ઘરમાંથી લાશ મળી આવી જેથી માલપુર પોલીસે યુવકના પિતાને મરવા મજબૂર કરનાર 6 શખ્સો સામે દુષપ્રેરરણની ફરિયાદ નોંધી હતી. એકાએક ગઈકાલે સવારે મેવડાના માલપુર રોડ પાસેથી એક કેબિન પાસેથી યુવક વિશાલ ચમારની લટકતી હાલતમાં લાશ મળી અને સગીરા દવા પીધેલી હાલતમાં મળી આવતા સારવાર અર્થે મેઘરજ હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં હાલ સગીરાની સ્થિતિ સામાન્ય છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં માલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માલપુર CHC ખાતે મોકલાયો અને વધુ તપાસ હાથ ધરી છે.