@RUTUL PRAJAPATI, ARVALLI
મોડાસા તાલુકાના શામળાજી હાઈવે પર બામણવાડ પાસે બકરાંને લઈને જતી ટ્રક વીજતારને અડી જતાં ત્રણ વ્યક્તિ સહિત 150 ઘેટાં બકરાં બળીને ખાખ થઈ ગયા છે. આ ટ્રકમાં બેઠેલા એક બાળક સહિત ત્રણ લોકો પણ ઘટના સ્થળે બળીને ભડથું થઈ ગયાં હતાં. ટ્રકને આગ લાગતાં કોઈને બહાર નીકળવાની તક જ નહોતી મળી. મોડાસાની બે ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.
મોડાસા તાલુકાના બામણવાડ ગામ પાસેથી ઘેટાં બકરાં ભરેલી એક ટ્રક પસાર થતી હતી. એ સમયે રસ્તામાંથી પસાર થતાં જીવંત વીજતારને અડકી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ લાગી હતી. બકરાં ભરેલ ટ્રકની બોડી ચુસ્ત હોય આગે એકાએક વિકરાળ રૂપ ધારણ કરી લેતાં જોતજોતામાં ઘેટા બકરાં ભડથૂ થઈ ગયા હતા. બકરાની જાળવણી માટે ટ્રકમાં રહેલા એક બાળક સહિત ત્રણ લોકો પણ આગની જ્વાળામાંથી બહાર નીકળી ના શક્યા અને આગમાં બળી જવાના કારણે ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.
સંપૂર્ણ ઘટનાની જાણ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કરાતા અને પાલિકા ફાયર વિભાગના અધિકારી સ્ટાફ સહિત બે ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચીનેઆગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. મોડાસા અને ટીંટોઇ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી છે.