@પી. ડી ડાભી તળાજા
“ઘોડા અને સિંહ પરના છપાકરા”ના રચયિતા ભાવનગરના રાજકવિ બળદેવભાઈ નારેલાને માંગલશક્તિ એવોર્ડ મોગલધામ ભગુડા ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ મોરારિબાપુના હસ્તે તેમના વારસદારોને એનાયત કરવામાં આવ્યો હતો.
સાહિત્ય ક્ષેત્રે અદભુત પ્રદાન રહ્યું
“ચીલોવડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જનમી નો’ત જો જગતમાં મઢડે સોનલમાત” આવા માતાજીના અનેક દુહાઓની રચના રાજકવિ બળદેવભાઈ હરદાનભાઈ નારેલાએ કરી છે, જે હાલમાં સાહિત્યકારો દ્વારા ડાયરામાં બોલવામાં આવે છે. બળદેવભાઈના સાહિત્યક્ષેત્રના ખાસ પ્રદાનને ધ્યાને લઈને માંગલશક્તિ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેમના પિતામહ પાતાભાઇ નારેલા અને દાદા પિંગળશીભાઇ નારેલા વગેરેનું પણ સાહિત્ય ક્ષેત્રે અદભુત પ્રદાન રહ્યું છે.
નદી, દુષ્કાળ અને દેશભક્તિના પણ અનેક છપાકરા લખેલ
તેઓનું સાહિત્ય આજે પણ ખૂબ જ લોકભોગ્ય છે. બળદેવભાઈએ તેઓનું સાહિત્ય એકત્ર કરીને અથાગ પ્રયત્નો કરીને “પિંગળવાણી” સ્વરૂપે 1973માં તૈયાર કર્યું હતું. બળદેવભાઈ 1965ના વર્ષથી આજીવન રાજ્યકવિપદ સાંભળેલ છે. બળદેવભાઈ ઉપર આઈ શ્રી સોનબાઈ માતાજીની અસીમ કૃપા હતી જેથી માતાજીની અનેક રચનાઓ એમણે બનાવેલ છે. આ ઉપરાંત રાજકવિ બળદેવભાઈ નારેલાએ નદી, દુષ્કાળ અને દેશભક્તિના પણ અનેક છપાકરા લખેલ છે.