- થાનગઢ ખાતે ૭૭મા સ્વતંત્રતા પર્વ નિમિતે તિરંગો લહેરાવી ધ્વજવંદન કરતાં જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ
- દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું
- ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની પૂર્ણાહુતિને વધુ યાદગાર બનાવવા સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
- આપણા દેશની માટીના પ્રત્યેક કણમાં શૂરવીરતા, સાહસ, સમર્પણ અને શૌર્યની ગાથા છે
- આઝાદીની લડાઈમાં ઝાલાવાડનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે
આજે ભારતનાં ૭૭મા સ્વતંત્રતા પર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ખાતે જિલ્લા કલેકટરશ્રી કે.સી સંપટનાં અધ્યક્ષસ્થાને ૭૭મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટરશ્રી કે.સી.સંપટે થાનગઢ મેળાના મેદાન ખાતે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી ગિરીશ પંડ્યા પણ સાથે જોડાયા હતા. સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે થાનગઢ તાલુકાની વિવિધ કોલેજ-સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં પરેડ નિરીક્ષણ બાદ ઉદ્દબોધન કરતાં જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટે ઉપસ્થિત સૌને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી દેશની સ્વતંત્રતા માટે જાન ન્યોછાવર કરનારા દેશનાં પરાક્રમી સપૂતો અને શહિદોનું સ્મરણ કરી તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આઝાદીની લડાઈમાં ઝવેરચંદ મેઘાણી, સરદારસિંહ રાણા, મોતીભાઈ દરજી, ફૂલચંદભાઈ શાહ, ચીમનભાઈ વૈષ્ણવ, બબલભાઈ મહેતા, સ્વામી શિવાનંદજી, મણીલાલ કોઠારી સહિતના સુરેન્દ્રનગરના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરતા જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામમાં ઝાલાવાડનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે.
ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની પૂર્ણાહુતિને વધુ યાદગાર બનાવવા, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.9 ઓગસ્ટથી સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ દેશભરનાં 2.5 લાખથી વધુ ગામોની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્યપથ સુધી લાવીને “અમૃત મહોત્સવ સ્મારક” તેમજ “અમૃતવાટિકા”નું નિર્માણ કરવામાં આવશે. દેશના નામી-અનામી સપૂતોના બલિદાનને યાદ કરવા અને માતૃભૂમિને વંદન માટે શરૂ કરાયેલા આ અભિયાન વિષે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આપણા દેશની માટીના પ્રત્યેક કણમાં શૂરવીરતા, સાહસ, સમર્પણ અને શૌર્યની ગાથા છે.
કલેક્ટરશ્રીએ આ અવસરે જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી વિશે વાત કરતા પી.એમ. આવાસ યોજના, મનરેગા, સ્વચ્છ ભારત મિશન, શિક્ષણ, આરોગ્ય, નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાલક માતા પિતા યોજના, વ્હાલી દીકરી યોજના, પ્રાકૃતિક કૃષિ, બાગાયત, નલ સે જલ, વૃદ્ધ સહાય, વિધવા સહાય, દિવ્યાંગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સહિત વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લામાં અપાયેલા લાભો અને તેનાથી આવેલા ફેરફારો વિશે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લો ભૌગોલિક વિષમતા તથા કુદરતી પ્રતિકૂળતા ધરાવતો હોવા છતાં જિલ્લાના લોકોના સહકાર અને અધિકારી/ કર્મચારીઓની મદદથી ગુજરાતની વિકાસયાત્રામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી રહ્યો છે. થાનગઢ તાલુકામાં થયેલા વિકાસ કામો વિશે પણ તેમણે વિગતવાર માહિતી આપી હતી.
૭૭મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે કલેકટરશ્રી સહિતનાં મહાનુભાવોના હસ્તે જિલ્લાનાં વિવિધ વિભાગનાં અધિકારી/કર્મચારીશ્રીઓને ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે જિલ્લા કલેકટરશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોને મળી તેમના ખબરઅંતર પુછી, તેમનું બહુમાન પણ કર્યું હતું. કાર્યક્રમનાં અંતમાં મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી, ICDS, આર્યુવેદ, દૂધ સંઘની વિવિધ યોજનાઓ, ચૂંટણી વિભાગ દ્વારા મતદાર સહાયતા કેન્દ્ર જેવા અલગ-અલગ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી કિરીટસિંહ રાણા, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અગ્રણી શ્રી હિતેન્દ્રસિંહ સહિતના સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.પી.પટેલ, ચોટીલા પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગળચર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચેતન મુંધવા, થાનગઢ મામલતદારશ્રી અરુણ શર્મા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
@sachin pithva, surendranagar