ગોધરા નગર પાલિકા દ્વારા વીરોને વંદન કાર્યક્રમ અંતગર્ત ઓરવાડાના વતની શહીદ સુનિલ પટેલને શ્રધ્ધાંજલિ આપવામાં આવી.!!
મોહસીન દાલ, ગોધરા
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ સંદર્ભે ૯મી ઓગસ્ટથી ૩૦મી ઓગસ્ટ સુધી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સાત વર્ષ પહેલાં કશ્મીરમાં થયેલા ભૂસ્ખલનમાં તા.૨૬/૦૧/૨૦૧૭ના રોજ ઓરવાડાના વતની સુનિલકુમાર તખતસિંહ પટેલ શહીદ થયા હતા. ત્યારે આજરોજ ગોધરા નગર પાલિકા દ્વારા વીરોને વંદન અંતર્ગત ગોધરા શહેરના અટલ ઉદ્યાન ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગોધરાના અટલ ઉદ્યાન ખાતે પ્રાંત અધિકારી અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક, ચીફ ઓફિસર, તેમજ વહીવટી તંત્રની પ્રેરક ઉપસ્થિતીમાં શહીદ સુનિલકુમાર તખતસિંહ પટેલને શ્રધ્ધાંજલિ અર્પી તેમના ધર્મપત્નીનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને વીર શહીદોની ધર્મપત્નિના વરદ્દ હસ્તે ગોધરાના અટલ ઉદ્યાનમાં શિલાફલકમ, વસુધા વંદન વીરોને વંદન, ધ્વજ વંદન, રાષ્ટ્રગાન અને સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લઈને ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં ગોધરાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે સૌ કોઇએ માટી લઈને કળશમાં ભેગી કરી હતી. ત્યાર બાદ ગોધરા નગર પાલિકા ચીફ ઓફિસર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.