@મોહસીન દાલ, ગોધરા
પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે હાલોલ તાલુકાના રાધનપુર (તલકવાડા) ગામે ખેતરમાં વાવેલ સુંઢીયાના ઘાસની આડમાં છુપાવી રાખેલો ૩,૮૩,૪૪૮/- રૂપિયાનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડતા પંથકના બુટલેગરોમાં ફફડાટ આપી જવા પામ્યો છે.જેમાં જિલ્લા એલ.સી.બી. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ખેતરમાં જથ્થો છુપાવનાર ખેતર માલિક સહિત પંથકના કુખ્યાત બુટલેગર સામે હાલોલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા એલસીબી શાખાના ગોધરાના પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓએ જિલ્લા પંથકમાં ચાલતી દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટેની કામગીરી હાથ ધરી પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો સામે વોચ ગોઠવી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના કર્મચારી કેતનકુમાર દેવરાજભાઈને અંગત બાતમીદારે ખાનગી રાહે ચોક્કસ બાતમી આપી હતી કે હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલ મોંઘાવાડામાં રહેતો પંથકનો કુખ્યાત બુટલેગર મોહસીન મુસ્તાક શેખ કોક સ્થળેથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી હાલોલ રૂરલ પોલીસ મથકની હદમાં આવેલ હાલોલ તાલુકાના રાધનપુર (તલકવાડા) ગામે રહેતા શૈલેષભાઈ દલસિંગભાઈ રાઠવાના રહેણાંક મકાન નજીક આવેલા તેઓના કબજા ભોગવતા વાળા સુંઢીયાના ઘાસનું વાવેતર કરેલ ખેતરમાં ઉતારી સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે રાધનપુર (તલકવાડા) ગામે છાપો મારી શૈલેષભાઈ રાઠવાના ખેતરમાંથી ઘાસની આડમાં છુપાવી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કી અને ટીન બિયરની બોટલો નંગ ૨૮૬૩ જેની કિંમત ૩,૮૩,૪૪૮/- રૂપિયાનો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો રૂલર પોલીસ મથકે જમા કરાવી બુટલેગર મોહસીન મુસ્તાક શેખ અને શૈલેષભાઈ દલસિંગભાઈ રાઠવા સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.