gujarat ના વલસાડ જિલ્લાના વાપી નગર પાસેના મંદિરમાંથી પત્નીના પાછા ફરવાની રાહ જોઈ રહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક સ્થાનિક કાર્યકર્તાની સોમવારે સવારે કેટલાક અજાણ્યા શખ્સોએ કથિત રીતે ગોળી મારી હત્યા કરી નાખી હતી. પોલીસે આ માહિતી આપી હતી.
મોટરસાઇકલ હુમલાખોરોએ ચાર ગોળીઓ ચલાવી હતી
ડુંગરા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટરસાઇકલ પર સવાર હુમલાખોરો કોચરવા ગામમાં શૈલેષ પટેલની કાર પાસે આવ્યા હતા અને તેમના પર ત્રણ કે ચાર ગોળીઓ ચલાવી હતી, જેમાં તેમનું મોત થયું હતું. વાપી તાલુકાના ભાજપ એકમના પ્રમુખ સુરેશ પટેલે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. શૈલેષ વાપી તાલુકા ભાજપ એકમના ઉપપ્રમુખ હતા.
‘શૈલેષ તેની પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયો હતા ‘
સુરેશ પટેલે જણાવ્યું હતું કે શૈલેષ તેની પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયો હતો. પૂજા કર્યા પછી તે બહાર આવ્યો અને પોતાની કારમાં પત્નીની રાહ જોવા લાગ્યો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે ચાર હુમલાખોરો બે મોટરસાઈકલ પર આવ્યા હતા.
પતિને લોહીથી લથબથ જોઈ પત્નીએ ચીસો પાડી
પોલીસે જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ 7.30 વાગ્યે બની હતી. તેણે જણાવ્યું કે મંદિરમાં પૂજા કરી રહેલી પટેલની પત્ની જ્યારે અવાજ સાંભળીને સ્થળ પર પહોંચી ત્યારે તેણે તેનો પતિ લોહીથી લથપથ જોયો. તેણે લોકોને મદદ માંગી. અધિકારીએ જણાવ્યું હતું કે પટેલને વાપીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ કેસની તપાસમાં જોતરાઈ
સ્થાનિક gujarat ભાજપના નેતાઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને તપાસની માંગ કરી હતી. પોલીસે કહ્યું કે તેઓ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે હાલમાં વિસ્તારના કેટલાક રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે અને હુમલાખોરોને શોધવા માટે ટીમો બનાવવામાં આવી છે.