હાલોલ નગર પાલિકા કચેરીના વહીવટકર્તા ઓની વેરા વસુલાતની નબળી કામગીરીને કારણે નગર પાલિકાની તિજોરી ઉપર ઉભો થઇ રહેલો બોજ આવનારા સમયમાં હાલોલ નગરજનો માટે આફત બની જાય તે પહેલા વેરા વસુલાત માટેની કામગીરીમાં નિષ્ફળ રહેલા વેરા વસુલાત શાખાના કર્મચારીઓ સામે ફરજ બેદરકારી માટે કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત નગરના એક જાગૃત નાગરીકે જિલ્લા કલેક્ટરને સંબોધીને લખેલી અરજી પ્રાદેશિક કમિશ્નર નગર પાલિકાઓ અને પાટનગરના ચાર સચિવાલયોના સચિવોને રવાના કરવામાં આવતા હાલોલ નગર પાલિકાની વેરા વસુલાતની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહયા છે.
હાલોલ નગર પાલિકા વિસ્તારના અનેક રહેણાંક અને વ્યવસાયિક બાંધકામોની કરવામાં આવેલી આકારણીઓ મુજબ જે વેરાઓ નગર પાલિકા દ્વારા વસુલવામાં આવતા હોય છે તે વેરા વસુલાતની કામગીરીમાં કરોડો રૂપિયાની બાકી વસુલાત વસુલ કરવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવી રજુઆત ઉઠવા પામી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની શરૂઆતમાં હાલોલ નગર પાલિકામાં ₹ ૦૬ કરોડ ૩૯ લાખ ૯૫ હજાર જેટલી જૂની વસુલાત અને ₹ ૦૪ કરોડ ૩૬ લાખ ૮૫ હજાર જેટલી ચાલુ વર્ષના વેરા મળી કુલ ₹ ૧૦ કરોડ ૭૬ લાખ ૮૦ હજારથી વધારે વસુલાત સામે એપ્રિલ-૨૩ દરમિયાન જૂના વેરા વસુલાત ₹ ૧૬ લાખ ૯૨ હજાર અને નવા વેરા વસુલાત ₹ ૧૩ લાખ ૩૦ હજાર જેટલા હાલોલ નગર પાલિકા કરી શક્યું હતું. એટલે કે જુના ૨.૬૪% અને નવી ૩.૦૪% જ કામગીરી વેરા વસુલાત કરવામાં આવી હતી.
તેમજ મે-૨૩ માં ₹ ૧૭ લાખ ૧૮ હજાર જેટલી જુના વસુલાત એટલે કે ૨.૬૮% અને ₹ ૧૭ લાખ ૬૮ હજાર જેટલી નવા વસુલાત ૪.૦૪% કરવામાં આવી હતી. જ્યારે જૂન-૨૩માં ₹ ૧૯ લાખ ૫૪ હજાર જેટલી જૂની ૩.૦૫% વસુલાત અને ₹ ૨૦ લાખ ૮૧ હજાર જેટલી ૪.૭૬% નવી વસુલાત કરવામાં આવી અને જુલાઈ-૨૩ માં ₹ ૦૬ લાખ ૦૬ હજાર જેટલી જૂની ૦.૯૪% વસુલાત અને ₹ ૦૫ લાખ ૨૪ હજાર જેટલી ૧.૨૦% નવી વસુલાત કરવામાં આવી હોવાની માહિતી નગર પાલિકા માંથી અરજદાર ને આપવામાં આવી છે.
હાલોલ નગર પાલિકાની ચૂંટણીઓ સામે આવી રહી છે, હાલમાં ન.પાલિકાનો વહીવટ ચીફ ઓફિસર અને વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ ચાલી રહયો છે ત્યારે નગર પાલિકાની વેરા વસુલાત શાખાએ બાકી વેરા વસુલાત તરફ ધ્યાન કેન્દ્રિત કરવું રહ્યું હતું. ન.પાલિકાએ ચાલુ નાણાંકીય વર્ષમાં ગત વર્ષની જૂની વેરા વસુલાતની ₹ ૦૬ કરોડથી વધારે વસુલાત સામે અડધો કરોડ રૂપિયા જેટલી જ વસુલાત થઈ શકી છે જ્યારે ₹ ૦૪ કરોડથી વધારેની ચાલુ વર્ષની વસુલાત સામે માત્ર ૫૭ લાખ રૂપિયા જ પાલિકાની તિજોરીમાં આવ્યા છે. ચાલુ વર્ષના વેરા પેટે મળેલા નાણાં પણ નગરજનોને એડવાન્સ વેરા ભરવા માટે લાભ અને છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી હોવાથી કેટલાક ઈમાનદાર નગરજનો એ આકારણીઓના વેરા પેટે નાણાં ભરપાઈ કર્યા હતા. જ્યારે બાકી રહેલા વેરાઓની વસુલાત કરવા માટે નગર પાલિકાના સતાધીશો અને કર્મચારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આવનારા સમયમાં પાલિકાની તિજોરીને મોટું નુકસાન થવાની ભીતિ અને તેની સીધી અસરો હાલોલ નગરના વિકાસ ઉપર થશે. સોસાયટીઓના કામો અને સુવિધાઓ ન મળતા નગરજનો તેનો ભોગ બનશે જેથી કરી વેરા વસુલાતની નબળી કામગીરી કરનાર વેરા વસુલાત શાખાના કર્મચારીઓ સામે ઉચ્ચસ્તરીય રજુઆત કરવામાં આવી છે.!!
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8