ભાવનગરના નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર એસ સી) ભાવનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ તૃતીય ત્રિ -દિવસીય રેસીડેન્શીયલ સાયન્સ સમર કેમ્પનું તા. ૩૧ મે થી ૨ જુન ૨૦૨૩ દરમ્યાન ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યુ છે. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરવાની સાથે ગણિત, વિજ્ઞાન, એન્જીનીયરિંગ ક્ષેત્રે જ્ઞાન મેળવી વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરી શકશે.
ભાવનગરના પ્રજાવત્સલ યુવરાજશ્રી જયવીરરાજસિંહ ગોહિલ મુખ્ય અતિથિ તરીકે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઈ.સી. મેમ્બર ડો. ગીરીશભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ડો. શિશિર ત્રિવેદીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આઉટ ઓફ ધ બોક્સ થીંકીંગ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આર એસ સી ભાવનગર દ્વારા ત્રણ દિવસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે જેમ કે, વેળાવદર નેશનલ પાર્ક ની મુલાકાત, ઇન્ડસ્ટ્રી વિઝિટ, યોગા સેશન, કેમ્પ ફાયર, સ્કાય ગેંઝિગ, ડોક્યુમેન્ટરી ફિલ્મ, ઇન્ડોર ગેમ્સ જેમકે પેપર ક્રાફ્ટ, ઓરિગામિ, હાઇડ્રોપોનિક્સ વર્કશોપ, ચેસ સ્પર્ધા અને વિવિધ આઉટડોરર્સ ગેમ્સ રમાડવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર શ્રી ડૉ. ગિરિશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ છે.