- દેશપ્રેમની ભાવના સશક્ત કરવાના હેતુથી ગાંધીનગરનાં યુવાનોની અનોખી પહેલ
લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતો 1551 ફૂટનો વિશાળ તિરંગો લઈને આવતા યુવાનો તિરંગા યાત્રા માટે કોઈ જાતનો ચાર્જ લેતા નથી
સુરત ખાતે બનેલો આ તિરંગો 1551 ફૂટ લાંબો, 10 ફૂટ પહોળો છે
5 મણ જેટલુ વજન ધરાવતા આ તિરંગાને યાત્રા દરમિયાન 500 જેટલા સહભાગીઓ ઉંચકે છે
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં આકર્ષણનું પ્રમુખ કેન્દ્ર બન્યો હતો 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ તિરંગો. આ તિરંગો રાધે રાધે પરિવાર ગ્રુપ, ગાંધીનગરનાં યુવાનો દ્વારા સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. તન્મય પટેલ, જીગ્નેશ પટેલ, જીગ્નેશ વણકર સહિતના લોકોની ટીમ આ સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલી છે. આ તેમની 1551 ફૂટનાં વિશાળ તિરંગા સાથે 33મી તિરંગા યાત્રા હતી. રાધે રાધે પરિવાર સાથે જોડાયેલા કૌશિક પ્રજાપતિએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશના યુવાનોમાં દેશપ્રેમ ઉજાગર કરવાના હેતુથી અમે 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે શૌર્ય મહાયાત્રાનું આયોજન કરીએ છીએ. અમે અગાઉ ગાંધીનગર, કડી, મુંબઈ, કાગવડ, અડાલજ, કલોલ જેવા અલગ-અલગ 32 સ્થળોએ શૌર્ય મહાયાત્રા યોજી છે. અમારા ગ્રુપ દ્વારા આવી યાત્રા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. માત્ર ટોકન ભાવે, આવવા-જવાનું ભાડુ માત્ર લઈ અમે લોકો આવી યાત્રામાં સહભાગી બનીએ છીએ. કડી સર્વ વિદ્યાલય, ગાંધીનગરમાં અભ્યાસ દરમિયાન એક અઠવાડિયાના લીડરશીપ કાર્યક્રમમાંથી અમને આ પ્રેરણા મળી હતી. દેશ માટે અમારે કંઈક કરવુ હતું. દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ સમાજનાં અલગ-અલગ વર્ગમાં જાય તે માટે અમે આ પ્રકારની યાત્રા યોજવા અંગે વિચાર્યું હતું. ત્યારબાદ અમારા ગ્રુપ સાથે સંકળાયેલા એક મિત્રના પપ્પાએ સુરત સ્થિત લક્ષ્મીપતિ સાડી ગ્રુપના સંજયભાઈ સાથે અમારો પરિચય કરાવ્યો હતો. 1551 ફૂટનો આ રાષ્ટ્રધ્વજ અમને તેમનાં દ્વારા વિનામૂલ્યે બનાવી આપવામાં આવ્યો છે. ત્યારથી અમે અલગ-અલગ જગ્યાએ આવી યાત્રાઓમાં સહભાગી થઈએ છીએ. અમારી સાથે 2400 કરતા વધુ વિદ્યાર્થીઓ સંકળાયેલા છે. આટલા વિશાળ ઝંડાના કારણે યાત્રા ઘણા લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બને છે. જો કે તેની અસામાન્ય લંબાઈનાં કારણે યાત્રા દરમિયાન ઘણી સાવચેતી રાખવી પડે છે, જે જરાય સહેલું નથી. દેશની શાન સમો તિરંગો સમગ્ર યાત્રા દરમિયાન ક્યાય જમીનને સ્પર્શે નહીં તેની ખાસ કાળજી લેવી પડે છે. લંબાઈનાં કારણે 5 મણ જેટલું વજન ધરાવતો રાષ્ટ્રધ્વજ ઉંચકવા માટે 450 થી 500 જેટલા સ્વયંસેવકોની જરૂર પડે છે. જો કે જ્યારે આ રાષ્ટ્રધ્વજ સાથે યાત્રા નિકળે છે અને આખો માર્ગ જ્યારે તિરંગાથી છવાઈ જાય છે ત્યારે અદભુત નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. ભૂલકાઓથી લગાવી મોટી ઉંમરનાં વડીલો યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાય અને દેશભક્તિનું જે વાતાવરણ સર્જાય છે તે જોઈને અમને અમારૂ કાર્ય સફળ થતું હોય તેમ લાગે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન દરમિયાન આ યાત્રા યોજાઈ હતી અને જેને મળેલા ભારે પ્રતિસાદ બાદ આ વર્ષે પણ ફરી તિરંગા યાત્રાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. યાત્રા બાદ જિલ્લા કલેક્ટરશ્રી કે.સી. સંપટે આ યુવાનો સાથે મુલાકાત કરીને તેમના પ્રયાસને બિરદાવ્યો હતો અને તેમનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું.
@sachin pithva, surendranagar
to join our whatsapp group click below link:
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8