ભ્રષ્ટાચારની ફરીયાદો બાદ રાજયકક્ષાએથી લેવાયેલ ગંભીર નોંધ સાથે…..
——————————
ગોધરા તા.
મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરીઓમાં ગેરરીતિઓની તપાસ માટે આવેલ વિજીલન્સ ટીમની તપાસોમાં બદઈરાદાઓ પૂર્વક અવરોધો સર્જવાના પ્રયાસો બાદ લુણાવાડા સ્થિત વાસમો કચેરીના યુનિટ મેનેજર અને ૬ ટેક્નિકલ આસિસ્ટન્ટોને રાતોરાત સસ્પેન્ડ કરી દેવાના સર્જાયેલા આ ચકચાર ભર્યા પ્રકરણ બાદ મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરીઓ અસરકારક બની રહે આ માટે ત્રણ યુનિટ મેનેજરોની તાત્કાલિક અસરથી નિમણુંક કરીને નલ સે જલ યોજનાની કામગીરી હાથ ધરાશે.
મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરીઓ અધુરી અને તકલાદી હોવાની ઉભી થયેલ ગંભીર ફરીયાદોના આધારે ગાંધીનગર થી શરૂ થયેલ તપાસોમાં આજરોજ રાજકોટ ખાતેથી તપાસો માટે આવેલ વિજીલન્સ ટીમ દ્વારા લુણાવાડા મુખ્ય મથક ખાતે આવેલ વાસ્મો કચેરીના અધિકારીથી લઈને તમામ સ્ટાફને સસ્પેન્ડ કરવાના આકરા તેવરો દેખાડતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.
મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરીઓનો કાર્યભાર સંભાળનાર લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીમાં આજરોજ રાજકોટ ખાતેથી વિજીલન્સ ટીમના સુપ્રીટેન્ડેન્ટ એન્જીનીયર ખ્યાતિબેન પટેલ આવ્યા હતા. અને તપાસોમાં સહકાર આપવામાં અખાડાઓ કરતા વાસ્મો કચેરીના યુનિટ મેનેજર એ.જી.રાજપુરા સમેત ૬ જેટલા કર્મચારીઓની સામુહિક બદલીઓ સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.અને ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ કચેરીના સત્તાધીશો દ્વારા લુણાવાડા વાસ્મો કચેરીમાં નલ સે જલ યોજનાની કામગીરીને ત્રણ ભાગમાં મહીસાગર, લુણાવાડા અને સંતરામપુર વાસ્મો યુનિટ કચેરી તરીકે વહેંચણી કરવાનો આદેશ કરવામાં આવતા જ વાસ્મોના વહીવટી તંત્ર અને ગેરરીતિઓ આચરનારા ચહેરાઓમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.