‘નારી વંદન’ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે મેકસન ખાતે ‘મહિલા સુરક્ષા દિવસ’ની ઉજવણી કરાઇ
ગુજરાત સરકાર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે ઓગસ્ટના પ્રથમ સપ્તાહને ‘નારી વંદન’ સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં મેક્સન ખાતે ‘મહિલા સુરક્ષા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલા સુરક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેકસનમાં કામ કરતી અંદાજીત 60થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત પોલીસ વિભાગની-181 અભયમ ટીમ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત આવતીકાલે ‘બેટી બચાવો, બેટી પઢાઓ ‘ થીમ પર કાર્યક્રમો યોજાશે.
અરૂણા ડાવરા