- થાનગઢના તરણેતર પાસે બાઇક આડે ઢોર આડું ઉતરતા માલધારી પરિવારના તબીબનું કરુણ મોત, પરિવારમાં ગમગીની
- યુવાન તબીબી અભ્યાસની ઇન્ટરશીપ પૂર્ણ કર્યાનું સર્ટી લઈને પરત આવતી વખતે કરુણ દુર્ઘટના સર્જાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર નજીક માલધારી તબીબ બાઇક પર જતા હતા. તે વેળાએ રસ્તામાં અચાનક ઢોર આડું ઉતરતા અકસ્માતમાં તેનું મોત થયું છે.આ ઘટનાને પગલે તેમનુ આખુ ગામ શોકમગ્ન થઈ ગયું છે. જ્યારે મૃતકના પરિવારે હૈયાફાટ કરુંણ આક્રંદ કરી મુકતા ગામ હિબકે ચડ્યું હતુ.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના મેરૂભાઈ ડાયાભાઈ ગરિયા ( ઉ.વ.26 ) જેમને બીએચએમએસની ઇન્ટરશીપ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પૂર્ણ કરી હોય તેનું સર્ટિફિકેટ લઈને તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તા.4ના રોજ આપવાનું હતું.જેથી તેઓ રાજકોટથી આ સર્ટી લઈને ઘરે બાઇક ઉપર પરત ફરી રહ્યા હતા. આ વેળાએ સુરેન્દ્રનગર જિલ્લાના થાનના તરણેતર નજીક રોડ ઉપર ઢોર આડું ઉતરતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગે ઇજાઓ પહોંચતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. મૃતક યુવાન ત્રણ ભાઈમા નાના હતા. મૃતકના પત્ની સગર્ભા હતા. મૃતક યુવાન પરિવારમા પ્રથમ તબીબ હતા.આ ઘટનાથી પરિવારની સાથે આખા ગામમાં શોક વ્યાપી ગયો છે. માલધારી પરિવારમાં શિક્ષણનું મહત્વ વધતું જાય છે. ત્યારે સામાન્ય માલધારી પરિવારનો કુળદિપક ડોકટર બને તે પહેલાં તેનો જીવનદીપ બુઝાઇ જતા તેના પરિવાર ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતુ. આ આશાસ્પદ ડોકટર ગામની સેવા કરવાનો હોય, ગામલોકોમાં પણ તેના મોતથી ભારે અરેરાટી મચી ગઇ હતી.
@sachin pithva, surendranagar