Partho Alkesh Pandya
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સિટી, કાયદા અનુસ્નાતક વિભાગ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઉચ્ચ શિક્ષણ, ગુજરાત દ્વારા કન્વેન્શન હોલ ખાતે “સમાન નાગરિક સંહિતા : ભ્રમણા અને સત્ય” વિષય પર સર્વોચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ અધિવક્તા અશ્વીનીજી ઉપાધ્યાય દ્વારા સુંદર વક્તવ્ય અને સમજ આપવામાં આવી. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. જાતિ, ધર્મના આધારે અલગ અલગ કાયદા જોવા મળે છે. આ કારણોસર દેશમાં લાંબા સમયથી સમાન નાગરિક સંહિતાની માંગ કરવામાં આવી છે.
સમાન દીવાની કાયદાની જોગવાઈ ભારતીય બંધારણના ભાગ- ૪ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ ૪૪ થી કરવામાં આવી છે. પરંતુ અત્યારે શિક્ષણ, ધર્મ, ભાષા સહિતની વિટંબણાઓમાં જો સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવે તો આ બધા રોગોની એક જ દવા છે. દેશની ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવી જાય અમેરિકા, ચીન, જાપાન, સિંગાપુર, ફિનલેન્ડ સહીત ઘણા બધા દેશોમાં સમાન શિક્ષણ વ્યવસ્થા હોવાથી તેઓ પ્રગતિ કરી રહ્યા છે. તેમ ભારતમાં પણ સૌને એક સમાન અભ્યાસક્રમ હોવો જોઈએ ભલે તેની ભણવાની ભાષા જુદી હોય. સમાન નાગરિક સંહિતા દેશની વિવીધતાઓને એક કરશે દેશની એકતા વધારવાનું પ્રેરક બળ બની રહેશે. તેનાથી જુદાજુદા ધર્મના લગ્નના કાયદાની જોગવાઈઓ એક રહેશે. મહિલાઓને સમાન સન્માન મળશે. કોઈ ધાર્મિકતાની આડમાં નાગરિકના મૂળભૂત હકોનું હનન નહિ પરંતુ રક્ષણ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાન નાગરિક સંહિતા ભારતીય સંવિધાનનો આત્મા છે. સંવિધાનનો મતલબ છે સૌના માટે એક વિધાન પરંતુ દેશની આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ હિંદુ માટે અલગ વિધાન, મુસ્લિમ માટે અલગ વિધાન, પારસી માટે અલગ વિધાન, ઈસાઈ માટે અલગ વિધાન આમ પ્રત્યેક માટે અલગ વિધાન છે. પરંતુ જયારે દેશમાં એક જ સંહિતા લાગુ થાય તો તે ભારતની પરંપરાઓ પર આધારિત હોવો જોઈએ. કાયદો એવો હોય જેનાથી ‘વસુધ્યેવ્ય કુટુમ્બકમ’ ની ભાવના વધે, ‘નારી તું નારાયણી’ ની ભાવના બને, બહેન-બેટીનું સન્માન વધે, દેશની પ્રત્યેક બહેન બેટીની લગ્નવ્યવસ્થા એક જ કાયદા અનુસાર રહે, તે પણ સમાન મિલકત ધારણ કરનારી બને, વસીયતનો અધિકાર પ્રાપ્ત કરે અને કુરીતીઓ બંધ થાય. બાળ લગ્નો બંધ થશે એક દેશ એક વિધાન બનશે તો બધા જ ધર્મોના પર્સનલ લો પણ એક રહેશે. પ્રત્યેક નાગરિકનો શિક્ષણનો અધિકાર એક રહેશે, ક્લાર્ક થી લઇ કલેકટર અને મજુર થી લઇ માલિકનો દીકરો કે દીકરી એક જ શિક્ષણ મેળવતા થશે. જ્યારે દેશમાં બારમા ધોરણ પછી ડોકટર બનવા એક જ પરીક્ષા હોય, ઓફિસર માટે સમાન પરીક્ષા હોય,સૈનિક NDA એક જ હોઈ, તો એકસમાન શિક્ષણ કેમ ના હોય? દરેક રાજ્ય ની ભાષા પ્રમાણે હોય તો આવી વ્યવસ્થા કરવી જોઈએ
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. રોહિતભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે, દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ થઇ રહી છે. તેમ હવે જો નાગરિક સંહિતા પણ લાગુ થશે તો ભારતનો યુવા પોતાના અધિકારોને લઇ નિશ્વિંત બનશે. ભારતની સંસ્કૃતિ, શિક્ષણ વ્યવસ્થા, તેની પરંપરાઓ ઉચ્ચ રીતે પ્રત્યેક નાગરિક સમજતો થશે અને ભારતમાં નવી સાંસ્કૃતિક ક્રાંતિ લાવનારો રહેશે. પરંતુ તેની જે ભ્રમણાઓ છે તે અંગેનું સત્ય આજે લોકો સમક્ષ મુકાયું છે.
આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ બલરામ ચાવડા, રજીસ્ટ્રાર ડો. કે.કે. પટેલ, કાયદા વિભાગના અધ્યક્ષ ડો.સ્મિતા વ્યાસ, કારોબારી સભ્યો, વિવિધ વિભાગોના અધ્યાપક્શ્રીઓ, વિદ્યાર્થીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.