જિલ્લાના સ્થાનિક આગેવાનો, વન્યજીવ પ્રેમીઓ, એન.જી.ઓ. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહભાગી થશે
આવતીકાલે તા. 13 ઓગસ્ટના રોજ ઘુડખર અભ્યારણ વિભાગ-ધ્રાંગધ્રા દ્વારા આદર્શ નિવાસી શાળા, ધ્રાંગધ્રા ખાતે વિશ્વ વરૂ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકા તથા સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક આગેવાનો, વન્યજીવ પ્રેમીઓ, એન.જી.ઓ. શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓ હાજર રહેશે. ઈકોલોજીકલ સંતુલન જાળવવામાં વરૂઓનાં મહત્વ વિશે જાગૃતિ વધારવાનાં હેતુથી તા. 13 ઓગસ્ટનો દિવસ વિશ્વભરમાં વિશ્વ વરૂ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૈવપારિસ્થિતિ તંત્રમાં વરૂઓની ભૂમિકા અને મહત્વ વિશે વધુને વધુ લોકો જાણે અને તેમનાં સંરક્ષણ વિશે પણ જાગૃતિ વધે તે માટે આ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય છે.
ઘુડખર અભયારણ્ય વિભાગ દ્વારા થયેલુ એક માદા વરૂનું રેસ્ક્યુ વરૂઓનાં સંરક્ષણ અભિયાનમાં મહત્વનું સાબિત થયું
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ઘુડખર અભયારણ્ય વિભાગ, ધ્રાંગધ્રાના વન અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓ દ્વારા એક ઈજાગ્રસ્ત માદા વરૂનું અભયારણ્ય વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેને સુરેન્દ્રનગર સરકારી વેટરનરી હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સારવાર આપ્યા બાદમાં વેટનરી કોલેજ-આણંદ ખાતે જરૂરી સારવાર સર્જરી માટે લઈ જવામાં આવેલું. ત્યારબાદ સતત દેખરેખ અને સારસંભાળની જરૂર હોઈ તેને સક્કરબાગ ઝુલોજીકલ પાર્ક, જુનાગઢ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું. જ્યાં તે વરૂને “દિવ્યાંગી” નામ આપવામાં આવ્યું અને બાદમાં તે વરૂની તંદુરસ્તીમાં ઉત્તરોત્તર સુધારો થતાં સક્કરબાગ ખાતે બ્રિડિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. જે સફળ રહેતા વર્ષો-વર્ષ તેણે બચ્ચાને જન્મ આપ્યો. આ બચ્ચાઓ મોટા થતા ગુજરાત સરકાર દ્વારા આ બચ્ચાઓ તથા સક્કરબાગ ઝુલોજીકલ પાર્ક, જુનાગઢ ખાતે સ્થિત અન્ય વરૂઓને ગુજરાતના અલગ-અલગ વિસ્તાર જેવા કે, થળા-સુલતાનપુર (ધ્રાંગધ્રા), નડાબેટ તથા અન્ય વિસ્તારમાં કુદરતી આવાસમાં મુક્ત કરવા નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત ગત તા.૦૩/૦૮/૨૦૨૩નાં રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા નડાબેટ ખાતે વરૂ સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઈ -લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ જ પ્રકારનું વરૂ સોફ્ટ રિલીઝ સેન્ટર ધ્રાંગધ્રા ખાતે પણ આકાર લઈ રહ્યું છે, જે ટૂંક સમયમાં વરૂના રી-હેબિટેશન માટે ઉપલબ્ધ થશે. આમ ગુજરાતમાં વન્ય પ્રાણીઓનાં સંરક્ષણમાં અતિ મહત્વની કહી શકાય તેવી આ સફળ ગાથામાં ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રાની વિશેષ પાયારૂપ ભૂમિકા રહી છે.
વરૂની વિશેષતાઓ
ભારતીય વરૂ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ના પરિશિષ્ટ-1માં મૂકવામાં આવેલ અને જેનું અસ્તિત્વ ભયમાં છે તે કક્ષામાં મૂકાયેલુ પ્રાણી છે. વરૂની ખાસિયત એ છે કે તે, શ્વાન કુળનું સૌથી મોટું પ્રાણી છે. વરૂ 8 કી.મી પ્રતિ કલાકની ગતિથી ચાલે છે અને 60 થી 70 કિ.મી પ્રતિ કલાકની ગતિથી દોડી શકે છે. વરૂ એક શરમાળ પ્રાણી છે. વરૂને રહેઠાણ માટે થોડો ઘણો ખડકાવ, ઉબડખાબડ અને ઝાડી- ઝાંખરાવાળો વિસ્તાર વધારે અનુકૂળ હોય છે. વરૂ જંગલનું પ્રાણી છે છતાં શુષ્ક અને ખુલ્લા મેદાનના ભાગોમાં પણ રહે છે. જંગલમાં કે વગડામાં તે કાળીયાર, હરણ, નીલગાય ક્યારેક સસલાનો શિકાર કરે છે. ઘુડખર અભ્યારણમાં ટોચના માંસાહારી પ્રાણીઓમાં વરૂ સૌથી પહેલા સ્થાને આવે છે. ભારતમાં વરૂ (નાર)ની સંખ્યામાં સતત ઘટાડો થયો છે પણ કચ્છના અને સૌરાષ્ટ્રના ગાંડાબાવળોના જંગલોમાં વરૂઓ ટકી રહ્યા છે.
કચ્છનું નાનુ રણ
કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલ ઘુડખર અભ્યારણ વન્ય પ્રાણી અને પક્ષીઓના રક્ષણ માટે ગુજરાત વન્યપ્રાણી અને વન્યપક્ષી અધિનિયમ-1963 હેઠળ 1973માં અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ કુલ 4,953 ચો.કિ.મી. વિસ્તારમાં જાહેર કરવામાં આવ્યું છે. કચ્છનું નાનું રણ આખા વિશ્વમાં વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક સંરચના ધરાવે છે. આ વિસ્તારમાં ઘુડખર, ઝરખ, નાર, શિયાળ, રણલોકડી, ચિંકારા, નીલગાય વગેરે તેમજ 200થી વધુ પ્રકારના પક્ષીઓ, જુદી જુદી પ્રજાતિના ઝીંગા, 157 પ્રકારની વનસ્પતિઓ અને 22 પ્રકારની માછલીઓ વસવાટ કરે છે.
@sachin pithva, surendranagar